(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને જૂતા મારો તેવું નિવેદન કરવા બદલ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ અંતે દિલગીરી વ્યક્ત કરી હોવાના અહેવાલો છે.
આજતક ચેનલ પર સર્જીકલ સ્ટ્રાઈક અંગે ચર્ચામાં ભાગ લઈ રહેલા ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ અચાનક આવેશમાં આવી લોકોને રાહુલ ગાંધીને જૂતા મારવા કહ્યું હતું.
સંબિત પાત્રાના અપમાનજનક વિવાદિત નિવેદનથી કોંગ્રેસમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. કોંગ્રેસ પ્રવક્તા રાજીવ ત્યાગીએ આજતક સ્ટુડિયો સામે ધરણા કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યાગીએ પાત્રાને માફી માંગવા માટે કહ્યું હતું. પરંતુ સંબિત પાત્રાને તેમના આ અભદ્ર નિવેદન બદલ કોઈ અફસોસ દેખાતો ન હતો. તેના બદલે પાત્રાએ રાહુલ ગાંધીની માફી માંગવા કહ્યું હતું.
શનિવારેે આજતક ચેનલે સંબિત પાત્રાના વિવાદિત નિવેદનનો ઉલ્લેખ કરી કહ્યું કે પાત્રા ઈચ્છતા હતા કે દેશદ્રોહીઓને જૂતા વડે મારવા જોઈએ. પરંતુ અંતમાં અકસ્માતે બોલી ગયા કે રાહુલ ગાંધીને પણ જૂતા મારવા જોઈએ. સંબિત પાત્રાએ તેમના રાહુલ ગાંધી અંગેના શબ્દોના ઉચ્ચારણ બદલ દિલગીરી વ્યક્ત કરી છે. આ પ્રમાણે કોંગ્રેસે પણ વડાપ્રધાન મોદીને મુઘલ શાસક ઔરંગઝેબ તરીકે બતાવવા ન જોઈએ.
સંબિત પાત્રાની આ અભદ્ર ટિપ્પણી વચ્ચે પત્રકારો અને ટીકાકારોએ સોશિયલ મીડિયા પર પાત્રાની ભાજપના પ્રવક્તા પદેથી હકાલપટ્ટીની માંગ કરી છે. જે રીતે કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરે નરેન્દ્ર મોદીને નીચ કહેતા કોંગ્રસે તેમની હકાલપટ્ટી કરી હતી. તે રીતે ભાજપે પણ આવું જ પગલું લેવું જોઈએ.
પૂર્વ પોલીસ અધિકારી સંજીવ ભટ્ટે ટીવી પર જીવંત ચર્ચામાં રાહુલ ગાંધીને જૂતા મારો તેવા પાત્રાના નિવેદનની ટીકા કરી કહ્યું કે આ પાત્રાનો માનસિક રીતે ભયનો સંકેત આપે છે. પત્રકાર અરફા ખાનુમે કહ્યું કે જ્યારે મણિશંકર ઐયરે મોદીને નીચ કહ્યું ત્યારે ઐયર સામે પગલાંની કોંગ્રેસ પાસે અપેક્ષા હતી તે મુજબ પગલાં લેવાયા. શા માટે સંબિત પાત્રા સામે ભાજપ પગલાં લેતું નથી ? પાત્રાએ જે શબ્દો ઉચ્ચાર્યા તે શું સંસ્કાર છે ? સંબિત પાત્રા અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહના વર્તન પરથી જોવા મળે છે કે ભાજપ કેટલી હદે નીચે જઈ રહ્યું છે. જેમને ભાજપનો પૂરો ટેકો દેખાય છે. જ્યારે આજતક ચેનલ પર સંબિત પાત્રાએ જ્યારે એવું કહ્યું કે રાહુલ ગાંધીને જૂતા મારો ત્યારે ટોળાએ ચીચીયારીઓ પાડી હતી.