(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૭
જૂનાગઢમાં સામાન્ય બાબતમાં બોલાચાલી બાદ હુમલાનો બનાવ બનેલ છે અને સામસામી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર ૬૬ કેવી મહેતાનગર ખાતે રહેતા સવજીભાઈ બાબુભાઈ રાઠોડ (ઉ.વ.૩૭)એ બસીર ઉર્ફે ટકો તથા બે અજાણ્યા માણસો (રહે. જૂનાગઢવાળા) દુકાન પાસે રાહ જોઈને ઊભા હતાં ત્યારે ત્યાં બાજુમાં આરોપી બસીર ટકો તેની ઈકો ગાડી લઈને તેનાં બે મિત્રો સાથે ઊભો હતો અને ફરિયાદીને તેની રિક્ષા આગળ લેવાનું કહેતા ફરિયાદીએ જણાવેલ કે મારી પત્ની આવો છે તે આવે એટલે રિક્ષા લઈ લઉ તેમ કહેતાં બસીર એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને અપશબ્દો બોલવા લાગતાં ફરિયાદીએ ગેરશબ્દ બોલવાની ના પાડતાં તેણે પોતાની ગાડીમાંથી લોખંડની પાઈપ કાઢીને ફરિયાદીને મારવા લાગ્યો હતો. તેમજ અન્ય બે અજાણ્યા આરોપીઓએ ફરિયાદીની દીકરીને રિક્ષામાંથી નીચે ઉતારી મારવાનું કહેતા બસીરે રિક્ષામાં બેસેલ ફરિયાદીની દીકરીની બાવડુ પકડી નીચે ઉતારીને તેને પાઈપ મારી તેમજ કપડાં ખેંચતાં દરમ્યાન ફરિયાદીની પત્ની આવી જતાં આરોપીઓ ભાગવા જતાં બાજુમાં રહેલ કુંડીમાં બસીરનું માથું ભટકાતા તેને ઈજા થઈ હતી અને જતાં-જતાં આજે તું બચી ગયેલ છે પાછો ભેગો થઈશ તો મારી નાંખીશું તેવી ફરિયાદ પોલીસમાં નોંધાવેલ. આ જ બનાવનાં અનુસંધાને સામાપક્ષે પણ ફરિયાદ નોંધાવી છે જેમાં બસીર ઉર્ફે ટકો હબીબભાઈ સુમરા (ઉ.વ.ર૭, રહે.૬૬ કેવીવાળા)એ સવલો બાવાજી, મોહન બાવાજી તથા એક અજાણ્યા શખ્સ વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે ફરિયાદી તથા સાહેદો ભરતભાઈ બાવાજીની દુકાને માવો ખાવા માટે ઊભાં હતાં ત્યારે આ કામનાં આરોપીઓ ત્યાંથી રિક્ષા લઈને રેસ કરતાં નીકળતાં ફરિયાદીએ તેને રેસ કરવાની ના પાડી હતી. જેથી આ જગ્યા તારા બાપની છે! તેમ કહી આરોપીએ ફરિયાદીને બિભત્સ શબ્દો કહેવા લાગતાં ફરિયાદીએ તેને ગાળો દેવાની ના પાડતાં આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને આરોપી મોહને પાઈપ તથા આરોપી સવલાએ લોખંડનું ધારિયું કાઢી ફરિયાદીને માથાનાં ભાગે મારી દઈ તેમજ આરોપી સાથેનાં અજાણ્યા માણસે આડેધડ માર મારવા લાગતાં ફરિયાદી ત્યાંથી ભાગતાં ફરિયાદીની ત્યાં પડેલ ગાડીમાં આરોપીઓએ તોડફોડ કરી તેમજ ફરિયાદીને માથાના ભાગે પાઈપ તથા લોખંડના ધારિયા વડે ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવેલ છે. પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.એમ. વાઘમસી ચલાવી રહ્યા છે.