(એજન્સી) તા.ર૪
પૂર્વોત્તરમાં આવેલા આસામ રાજ્યના શિક્ષકોનું કહેવું છે કે, તેઓ વહીવટીતંત્રના વાંકને કારણે તેમના પગારથી વંચિત છે. એમણે રાજ્ય સરકારની સાથે સાથે કેન્દ્ર સરકારમાં પણ વારંવાર અરજીઓ કરી હતી, પરંતુ તેમની સમસ્યાનો દૂર દૂર સુધી કોઈ ઉપાય કરવામાં આવતો નથી. વહીવટીતંત્રની જડતાથી કંટાળીને છેવટે શિક્ષકોએ તેમના પરિવાર સાથે ર૬ જુલાઈના રોજ સામૂહિક આત્મહત્યા કરવાની ધમકી આપી છે. અખિલ અસમ વેતન વંચિત સહાયક શિક્ષક સંઘના સચિવ બસંત નિયોગે જણાવ્યું હતું કે, પ્રાથમિક શાળાના શિક્ષકોને યોગ્ય નાણાકીય મંજૂરી સાથે રાજ્ય સરકારે નિમણૂક પત્રો આપ્યા હતા. પરંતુ ર૦૦૬માં તેમને ગેરકાયદેસર રીતે નિયુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી. છેલ્લા ર૦-ર૪ વર્ષોથી કામ કરી રહેલા લગભગ ૧ર,૦૦૦ જેટલા શિક્ષકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. નિયોગે કહ્યું હતું કે, ૧૯૯૬થી ર૦૦૧ની વચ્ચે અસમ સરકારે કેટલાક શિક્ષકોની નિમણૂક કરી હતી. એસોસિએશનના અન્ય પ્રતિનિધિ રામન સાઈકિયાએ કહ્યું હતું કે, શિક્ષકોને ૧૯૯૬ સુધી નિયમિત રીતે પગાર મળતો હતો, જેને થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવ્યો. પરંતુ ર૦૦૧માં સરકારે ફરીથી પગાર આપવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ર૦૦૬માં ગેરકાયદેસર નિમણૂકની જાહેરાત પછી ફરીવાર અમારો પગાર રોકી દેવામાં આવ્યો. આ ૧ર,૦૦૦ શિક્ષકો નિયમિત રીતે વર્ગો ચલાવી રહ્યા છે.