Ahmedabad

મોલ-મલ્ટિપ્લેક્ષમાં લેવાતી પાર્કિંગ ફી મુદ્દે સંચાલકો ફરી હાઈકોર્ટના શરણે

અમદાવાદ,તા.ર૩
શહેરમાં દબાણો અને પાર્કિંગના મુદ્દે થયેલી જાહેરહિતની અરજી બાદ હાઈકોર્ટની એએમસી કમિશનર અને પોલીસ કમિશનરને સુનાવણીમાં હાજર રાખી ટકોર કરી હતી. ત્યારબાદ પોલીસ અને એએમસી તથા સરકાર હરકતમાં આવી ગઈ હતી. શહેરમાં આડેધડ ટ્રાફિકની સમસ્યાને કાબુમાં લેવા માટે છેલ્લા ત્રણ મહિનાથી અલગ-અલગ ડ્રાઈવો કરવામાં આવી રહી છે. ત્યારે મોલ અને મલ્ટિપ્લેક્ષમાં આવતા વાહન ચાલકોને મફત પાર્કિંગની સુવિધા આપવા આદેશ આપ્યો હતો. જેને મોલ અને મલ્ટિપ્લેક્ષના માલિકોએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે તમામ પક્ષોને સાંભળ્યા બાદ મોલ અને મલ્ટિપ્લેક્ષમાં આવતા ગ્રાહકોને પ્રથમ કલાક મફત પાર્કિંગની સુવિધા આપવા આદેશ આપ્યો હતો. જો કે આ આદેશથી નારાજ કેટલાક મલ્ટિપ્લેક્ષ માલિકોએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હાઈકોર્ટના આદેશને પડકાર્યો છે. ગુજરાત હાઈકોર્ટના સિંગલ જજ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે રાજય સરકારે પાર્કિંગ માટે કોઈ પોલિસી બનાવી નથી તેના કારણે ગ્રાહકોને સાવ મફત પાર્કિંગની સુવિધા પૂરી પાડી શકાય નહીં. આમ છતાં મોલ અને મલ્ટિપ્લેક્ષમાં આવતા ગ્રાહકોને પહેલો કલાક મફત સુવિધા આપવી પડશે. ત્યાર બાદના કલાક માટે ટુ વ્હીલરને રૂપિયા ૧૦ અને કારના રૂપિયા-૩૦ પાર્કિંગ ફી પેટે વસૂલી શકાશે. હાઈકોર્ટના સિંગલ જજના હુકમને આજે મંગળવારના રોજ મલ્ટીપ્લેક્ષ મોલ માલિકોએ ડિવિઝન બેંચ સામે પડકાર્યો છે. તેમની રજૂઆત છે કે પહેલો કલાક મફત પાર્કિંગની સુવિધા આપવાના હાઈકોર્ટના આદેશ પહેલાં તેમને સાંભળ્યા વગર અથવા તેમનો પક્ષ મુકવાની તક આપ્યા વગર આદેશ આપવામાં આવ્યો છે. આથી સિંગલ જજના હુકમને રદ કરવામાં આવે. આ મામલે ડિવિઝન બેન્ચ તમામ પક્ષકારોને સાંભળ્યા પછી નિર્ણય કરશે. અગાઉ પોલીસે ગુજરાત હાઈકોર્ટમાં સોગંધનામું દાખલ કરતા જણાવ્યું કે મોલ અને મલ્ટીપ્લેક્ષ જાહેર સ્થળો છે તેમાં પાર્કિંગની સુવિધા આપવી એ સંચાલકોની જવાબદારી છે. આમ મોલ મલ્ટીપ્લેક્ષ દ્વારા પાર્કિંગ સ્થળના નિભાવ માટે પાર્કિંગ ચાર્જ વસૂલવો જરૂરી હોવાનો દાવો કરતા સંચાલકો ફરીથી હાઈકોર્ટમાં ગયા છે. જો કે પોલીસે હાઈકોર્ટમાં સોગંધનામું રજૂ કર્યું હતું. જેમાં જણાવ્યું હતું કે મોલ અને મલ્ટીપ્લેક્ષ સંચાલકો પાર્કિંગ ચાર્જ ઉઘરાવી લોકોને રસ્તાઓ પર વાહન પાર્ક કરવા માટે મજબુર કરવા તે પણ એક ગુનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૩ મહિના અગાઉ હાઈકોર્ટની ટકોર બાદ પોલીસ કમિશનર અને એએમસી કમિશનર તથા સરકાર સફાળી જાગી હતી અને શહેરના દબાણો દૂર કરાવ્યા હતા. પાર્કિગની વ્યવસ્થા કરી હતી. ટ્રાફિકના નિયમોનું પાલન થતું હતું. જે બદલ પોતે હાઈકોર્ટે અને પ્રજાએ પણ તેમના વખાણ કર્યા હતા. જો કે હવે તે આખુ ચિત્ર બદલાઈ ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે. સૂત્રો પાસેથી જાણવા મળતા શહેરના અનેક વિસ્તારમાં દુકાનો આગળ શેડ લાગવા લાગ્યા છે અને ઓટલાઓ પણ બનવા લાગ્યા છે. જેથી પાર્કિંગની જગ્યામાં ઓટલા બનાવતા લોકો પોતાના વાહનો પાર્ક કયાં કરે તે એક યક્ષ પ્રશ્ન છે. જેથી લોકો રસ્તા પર વાહનો પાર્ક કરી રહ્યા છે અને સાંકડા રોડો પર ટ્રાફિક અને અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે. લોકોને આશા છે કે ફરીથી શહેરની પોલીસ અને એએમસી સાથે મળી આ ઓટલાઓ તોડીને પાર્કિંગની જગ્યા કરી આપે તેવી છે.