(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૭
સંજય જોષી જૂથનાં ભાજપ સંગઠન મંત્રી જીતેન્દ્ર રાયએ ભાજપ સાથે છેડો ફાડી નાંખ્યો છે. છેલ્લા ૧૦ વર્ષથી પક્ષમાં તેમની ઉપેક્ષા થતી હોવાથી આજે પ્રદેશ પ્રમુખને રાજીનામું ધરી દીધું હતું. તેમણે સંગઠનમાં મજબૂત કામગીરી બજાવી હતી. છતાં તેમનો કોઈ ભાવ પૂછતું ન હોવાથી પક્ષને અલવિદા કરી હતી.
જીતેન્દ્ર રાય શહેર જિલ્લા ભાજપમાં રાયજીના નામથી જાણિતા છે. સંઘ અને એબીવીપીથી માંડી ભાજપમાં તેમણે સંગઠનમાં સારી કામગીરી બજાવી હતી. તેઓ વડોદરા શહેર જિલ્લા સહિત પંચમહાલ જિલ્લાનાં સંગઠન મંત્રી હતા.
નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા બાદ સંજય જોષી અને તેમના જૂથનાં માણસોની કઠણાઈ બેઠી હતી. આ જૂથની સતત ઉપેક્ષા કરવામાં આવતી. જીતેન્દ્ર રાય પણ તેનો ભોગ બન્યા આમ છતાં તેમણે હોદ્દાની રૂએ સંગઠનની જવાબદારી નિભાવી હતી. છેલ્લા ૧૦ વર્ષથી પક્ષમાં તેમનો કોઈ ભાવ પૂછતું ન હતું. આખરે કંટાળી આજે સોશ્યલ મિડીયા ઉપર વેદના ઠાલવી રાજીનામાનો ટૂંકો પત્ર પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાધાણીને મોકલી આપ્યો હતો.
ફેસબુક ઉપર તેમણે મૂકેલી પોસ્ટમાં લખ્યું છે આજની પોસ્ટ જોયા પછી થોડુક અલગ વિચારો આવશે પણ હું માનસિક રૂપથી થાકી ગયો છું. ૩૬૫ દિવસ લોકો એક જ પ્રશ્ન કરતા હોય છે. રાયજી તમારા જોડે આવું કેમ થાય છે કેટલા વર્ષો થઈ ગયા એનો ઉકેલ શું. દિવસ દરમ્યાન લોકોને જવાબ આપવાના, પોતે દુખી થવાનું અને આરોપી તરીકે જીવન જીવવાનું છેલ્લા ૧૦ વર્ષથી દિવસે હસુ છું અને રાતે રડી ઉંઘી જાઉ છું. રોજ રડવા કરતાં એક જદિવસ ખુબ રડી લેવું. એબીવીપીમાં ગુજરાતનાં મંત્રી સુધીની જવાબદારી પછી ભાજપમાં વર્ષો સુધી સંગઠન મંત્રી તરીકે વડોદરા શહેર જિલ્લો તથા પંચમહાલ જિલ્લામાં કાર્યરત છતાં ઉપેક્ષા પરિશ્રમ યાદ આવે એટલે મન વિચલિત થાય છે એક અલગ પ્રકારની વેદના ઉદ્ભવે છે હવે લોકોને જવાબ આપી શકાશે કે હું પાર્ટીમાં નથી.
જીતેન્દ્ર રાયએ ફેસબુક ઉપર લખેલી પોસ્ટનાં ઉપરોક્ત શબ્દો ભાજપમાં નિષ્ઠાવાન કાર્યકરોની શું દશા થાય છે તે દર્શાવે છે. માત્ર સંજય જોષી જૂથનાં હોવાને કારણે જ તેમની ઉપેક્ષા થતી રહી તે દર્શાવે છે કે જે કાર્યકરે પક્ષ પાછળ પોતાની જાત ઘસી નાંખી તેને રસ કાઢી નાંખ્યા પછી શેરડીનાં છોતરાની જેમ ફેંકી દેવામાં આવે તેવી હાલત ભાજપે જીતેન્દ્ર રાયની કરી છે જે બીજા કાર્યકરો માટે બોધ લેવા જેવી ઘટના છે.