પાલનપુર, તા.૬
બનાસકાંઠાના પૂર્વ જિલ્લા પોલીસવડા અને લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ સામે ૨૨ વર્ષ અગાઉ રાજસ્થાનના પાલીના એડવોકેટ દ્વારા પોતાની ઉપર ખોટો નાર્કોટિક્સનો ગુનો દાખલ કરાયો હોવાની ફરિયાદ હાઇકોર્ટમાં થઇ હતી. જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે બુધવારે નિવૃત આઇપીએસ અધિકારી તેમજ પીઆઇની ધરપકડ કરી હતી. અને ગુરૂવારે પાલનપુરની એડીશનલ સિવિલ કોર્ટમાં રજૂ કરી ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જ્યાં સીટના અને બચાવપક્ષના ચાર ધારાશાસ્ત્રીઓએ ચાર કલાક સુધી ન્યાયાધીશ સામે ધારદાર રજૂઆતો કરી હતી. જો કે, અંતે કોર્ટે રિમાન્ડ નામંજુર કરી બંને અધિકારીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મૂકવાનો હુકમ કર્યો હતો.બનાસકાંઠાના તત્કાલીન જિલ્લા પોલીસવડા સંજીવ ભટ્ટ અને તત્કાલિન એલસીબી પીઆઇ આઇ. બી. વ્યાસ દ્વારા ૨૨ વર્ષ અગાઉ રાજસ્થાનના જોધપુર પાલીના એડવોકેટ સુમેરમલ રાજપુરોહિત પાલનપુરની એક હોટલમાં એન. ડી. પી. એસ.નો કેસ દાખલ કર્યો હતો. જો કે, આ કેસ ખોટો હોવા અંગે એડવોકેટે હાઇકોર્ટમાં ફરિયાદ કરતા બુધવારે અમદાવાદ સીઆઇડી ક્રાઈમ બ્રાન્ચે સંજીવ ભટ્ટ અને આઇ. બી. વ્યાસની ધરપકડ કરી હતી અને ગુરૂવારે પ્રથમ એડિશનલ ડિસ્ટ્રીકટ જજ અને એડી. સેશન્સ જજ. પી. એસ. બ્રહ્મભટ્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જેમણે રિમાન્ડની કાર્યવાહી માટે નીચલી કોર્ટમાં જવાનો હુકમ કરતાં બંને અધિકારીઓને ત્રીજા એડિશનલ સિવિલ જજ અને જ્યુ. ફસ્ટકલાસ કુ. વી. કે. ચારણની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં જ્યાં સીટના વકીલ એમ. આર. અમીન અને અન્ય વકીલ દ્વારા બંને અધિકારીઓના ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. આ રિમાન્ડ નામંજુર કરવા માટે બચાવપક્ષના વકીલ રહેમુદ્દીન શેખ સહીત ચાર ધારાશાસ્ત્રીઓએ ચાર કલાક સુધી ધારદાર દલીલો કરી હતી. જેના અંતે ન્યાયાધીશે સંજીવ ભટ્ટ અને આઇ. બી. વ્યાસના રિમાન્ડ નામંજુર કરી તેમને જ્યુડિશિયલ કોર્ટમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.
‘ખોટાનો અંજામ ખોટો’નું ઉદાહરણ
નાર્કોટિક્સનો વકીલ પર ખોટો કેસ કરવા બદલ આઇપીએસ તો ફસાયા જ છે પરંતુ સાથે સાથે પીએસઆઇ અને કોન્સ્ટેબલ પણ આ પ્રકરણમાં ફસાયા છે ત્યારે ઉચ્ચ અધિકારીઓના ખોટા આદેશને માનીને ખોટા કૃત્યો કરવાનો આ અંજામ આવે છે તેનું એક પોલીસ બેડા માટે ઉદાહરણ રૂપ સાબિત થયા છે સંજીવ ભટ્ટ.