(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
ગુજરાતના બરતરફ કરાયેલ પોલીસ અધિકારી સંજીવ ભટ્ટ જેમણે ગુજરાતમાં ર૦૦રના વર્ષમાં થયેલ રમખાણો બાબતે વિવાદિત આક્ષેપો કર્યા હતા એ સુપ્રીમ કોર્ટમાં પોતાની અપીલ હારી ગયા હતા. એમણે પોતાના બંગલાના ગેરકાયદેસર બાંધકામને નહીં તોડવા માટે અપીલ દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને બંગલાના ગેરકાયદેસર ભાગને તોડવાની પરવાનગી આપી હતી. કોર્ટે સંજીવ ભટ્ટની અપીલ રદ કરતા કહ્યું તમે પહેલાં અમારી પાસે આવ્યા હતા. અમોએ તમને રક્ષણ આપ્યું હતું. અમે મામલાનો અભ્યાસ કર્યો છે, તમારી અપીલ રદ કરવામાં આવે છે. ગુજરાત હાઈકોર્ટે પણ ભટ્ટની પત્ની દ્વારા કરાયેલ અપીલ રદ કરી હતી. ભટ્ટના પાડોશી પ્રવિણચંદ્ર પટેલે હાઈકોર્ટમાં ર૦૧રના વર્ષમાં વિનંતી કરી હતી કે ભટ્ટના બંગલાના ગેરકાયદેસર બાંધકામને દૂર કરવામાં આવે જે મારા પ્લોટની બાજુમાં બંધાયેલ છે. ર૦૧૧ના વર્ષમાં ભટ્ટને ફરજમાંથી છૂટા કરવામાં આવ્યા હતા. એમને ફરજ પર હાજર નહીં થવા, સરકારી કારનો દુરૂપયોગ કરવા અને કોન્સ્ટેબલને ધમકીઓ આપવાના આક્ષેપો હતા. ર૦૧પના વર્ષમાં એમને બરતરફ કરવામાં આવ્યા હતા. અધિકારીએ ર૦૦રમાં ગુજરાતમાં થયેલ કોમી રમખાણો માટે મોદીની સંડોવણી હોવાનું કહ્યું હતું. મોદીને સુપ્રીમ કોર્ટે ર૦૧રમાં ક્લિનચીટ આપી હતી.