(સંવાદદાતા દ્વારા) સંજેલી, તા.ર૪
રાજ્યભરમાં છેલ્લા કેટલાય સમયથી વાયરલ ઈન્ફેકશન સ્વાઈન ફ્લૂ-ડેન્ગ્યુ જેવા વિવિધ પ્રકારના રોગચાળોમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દરરોજ કેસમાં વધારો જોવા મળે છે. જેમાં ૧પ૦ કરતાંય વધારે કેસો નોંધાયા છે. ત્યારે ખાનગી દવાખાનામાં પણ દર્દીઓ ઉભરાયા છે. ગત રરમીના રોજ એક ડેન્ગ્યુ પોઝિટિવ એક શંકાસ્પદ તેમજ એક પોલિયો શંકાસ્પદ જાણવા મળી રહ્યું છે. સંજેલી સરકારી દવાખાનામાં છેલ્લા રપ દિવસમાં રપ૦૦ જેટલા તાવ, શરદી, ઝાડા ઉલટી વાયરલ ઈન્ફેકશન જેવા વિવિધ પ્રકારના કેસો નોંધાયા છે. ત્યારે રર તારીખના રોજ ઘાવડી ફળિયા ગામનો ૧૯ વર્ષીય યુવાનને ડેન્ગ્યુ પોઝિટિવ કેસ નોંધાયો છે અને ઈટાડી ગામના ૩પ વર્ષીય મહિલાને શંકાસ્પદ ડેન્ગ્યુ જણાયો હતો. તેમજ મોડલી ગામના બે વર્ષના બાળકને પોલિયો (એએફપી) શંકાસ્દ જણાતા ત્રણેયને દાહોદ રિફર કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દરેક દર્દીઓને સઘન સારવાર આપવામાં આવી રહી છે. જો કોઈ કેસમાં દર્દીને શંકાસ્પદ કે વધુ સારવારની જરૂરિયાત જણાય તો તેમને તાત્કાલિક રીફર કરવામાં આવે છે જ્યારે સરકારી દવાખાનામાં દરરોજના ૧પ૦ ઉપરાંત કેસ નોંધાતા હોવાથી સરકારી દવાખાનામાં દર્દીઓને બેડની સુવિધા ન હોવાથી ખાનગી દવાખાનામાં સહારો લેવો પડે છે. જેને લઈ ખાનગી દવાખાના પણ દર્દીઓથી ઉભરાયા છે. સરકારી દવાખાનામાં દરરોજના આટલા બધા કેશ નોંધાયા બાદ પણ તંત્ર દ્વારા અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. હાલમાં વરસાદી વાતાવરણને કારણે ઠેર-ઠેર ગંદકી જોવા મળે છે. નગરમાં સ્વચ્છતાના નામે મીંડું જોવા મળે છે. ગટરોના પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી. ગટરોના ઢાંકણો ખુલ્લા જોવા મળે છે. વધુ રોગચાળો ફેલાય તેવી દહેશત છે. પંચાયત તંત્ર દ્વારા યોગ્ય સફાઈ કરવામાં આવે અને આરોગ્ય વિભાગ દ્વારા ઘરે-ઘરે રોગચાળાથી બચવા માહિતી તેમજ પાણીજન્ય મચ્છર વગેરેથી ફેલાતા રોગો માટેની દવાનું વિતરણ કરવામાં આવે તેની લોકમાગ ઉઠી છે.