(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૮
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલગાંધી પોતાના રાજીનામા અંગે નિર્ણય બદલવા તૈયાર નથી ત્યારે સૂત્રો અનુસાર તેમણે પાર્ટી નેતાઓને સ્પષ્ટ રીતે કહી દીધું છે કે, અધ્યક્ષ પદ માટે બીજો વિકલ્પ શોધી લે. પરંતુ પાર્ટી ઇચ્છે છે કે, તેઓ કોઇ રીતે માની જાય. જોકે, હવે આ વાતની શક્યતા ઓછી લાગે છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલા અને પ્રિયંકા ગાંધીએ પણ રાહુલ ગાંધીના ઘરે જઇ તેમને મનાવવાના પ્રયાસો કર્યા છે. ત્યારબાદ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ ઉપરાંત વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલ પણ તેમના નિવાસે પહોંચ્યા હતા. બાદમાં રાહુલ ગાંધી ૪.૩૦ વાગે ફરીવાર એક બેઠક બોલાવી હતી.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. સૂત્રો અનુસાર રાહુલ ગાંધીને સંસદીય બાબતોના નેતા ચૂંટવામાં આવી શકે છે. ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે લોકસભા અને રાજ્યસભામાં પાર્ટીનું નેતૃત્વ કોણ કરશે.
૨. જોકે રાહુલ ગાંધીએ અધ્યક્ષ તરીકે પદ છોડવાનું પોતાનું મન બદલવાન ઇન્કાર કર્યો છે. શનિવારે કોંગ્રેસ વર્કિંગ કમિટી દ્વારા કરાયેલા પોસ્ટ મોર્ટમમાં આ નિર્ણય લઇ લેવાયો હતો.
૩. કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય તરૂણ ગોગોઇએ કહ્યું કે તેઓ પોતાનું મન નહીં બદલે. ગોગોઇએ કહ્યું કે, પાર્ટીના સિનિયર નેતાઓથી રાહુલ ગાંધી ભારે નારાજ છે. તેમણે જે રીતનું વર્તન કર્યું અને અપેક્ષા પ્રમાણે સખત મહેનત કરવી જોઇતી હતી પણ ના કરી.
૪. સૂત્રો અનુસાર રાહુલ ગાંધીને પુછાયું કે શું જનરલ પણ ભાગી શકે છે ત્યારે રાહુલ ગાંધીએ કહ્યુ કે, હું ભાગી નથી રહ્યો, હું વધુ જોરદાર લડત આપીશ. જ્યારે હું કોંગ્રેસ પાર્ટી તરફ નહીં જોઉં ત્યારે વિચારધારા સામે લડી શકીશ.
૫. સોમવારે ૪૮ વર્ષના રાહુલ ગાંધીએ કોંગ્રેસને બે વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલ અને અહમદ પટેલને જણાવ્યું હતું કે, તેઓ અધ્યક્ષ માટેનો વિકલ્પ શોધી લે. રાહુલ ગાંધીના માતા સોનિયાના નજીકના મનાતા અહમદ પટેલે જોકે, કહ્યું હતું કે, આ બેઠક વહીવટી કામ માટેની રૂટિન બેઠક હતી.
૬. સૂત્રો અનુસાર પાર્ટી રાહુલ ગાંધીનો મુદ્દો ઉકેલશે અને અન્ય અધ્યક્ષની શક્યતા છે. પણ નવા ચીફની પસંદગી સોનિયા, રાહુલ અને પ્રિયંકા એમ ત્રણેય ગાંધી દ્વારા જ કવામાં આવશે તેમ સૂત્રોમાંથી માહિતી મળી હતી.
૭. શનિવારની બેઠકમાં રાહુલ ગાંધીએ પોતાની માતા અને બહેનને પણ અધ્યક્ષ તરીકે નહીં માનવા કહ્યું હતું જેના કારણે પાર્ટી વિમાસણમાં મુકાઇ હતી.
૮. કોંગ્રેસ ૧૮ રાજ્યોમાં એક પણ બેઠક જીતી શકી ન હતી અને ૫૪૩ લોકસભા બેઠકમાંથી ફક્ત ૫૨ બેઠકો જ જીતી હતી.
૯. પાંચ મહિના પહેલા જ જે ત્રણ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સરકાર બનાવી હતી ત્યાં પણ તેનો સફાયો થયો હતો. બીજી તરફ કર્ણાટકમાં સરકાર હોવા છતાં તેનો સફાયો થયો હતો.
૧૦. કોંગ્રેસનો આ ચૂંટણીઓમાં એવો પરાજય થયો છે કે, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની અમેઠી બેઠક પરથી પણ હારી ગયા હતા જે કેટલાક દાયકાથી ગાંધી પરિવારની વિરાસત હતી.