અમદાવાદ,તા.૨૩
સરસપુર વિસ્તારમાં ગઇકાલે માતા-પુત્ર વચ્ચેના ઝઘડામાં એક બુટલેગરે વચ્ચે પડી તેના સાગરિતોને બોલાવી માતા સહિત ત્રણ-ચાર મહિલાઓને માર મારતા અને ૨૫થી વધુ વાહનોમાં તોડફોડ કરતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ પથરાઇ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને આ પ્રકરણમાં હાલના તબક્કે બુટલેગર સ્નેહલ મનુભાઇ ત્રિવેદી અને તેના આઠ સાગરિતોની ધરપકડ કરી હતી. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની તપાસ ચાલુ રાખી છે. ચોંકાવનારી વાત એ હતી કે, પોલીસે ઘટનાસ્થળેથી વિદેશી દારૂના બોક્સ અને દેશી દારૂની અસંખ્ય પોટલીઓ મળી આવી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના સરસપુર વિસ્તારમાં વિક્રમ મીલ સામે આવેલી ચાલીમાં રહેતા નર્મદાબહેન છનાભાઇ પટણીનો પુત્ર ચિરાગ પોતાની રીક્ષા લઇ ગઇકાલે પાલનપુર ખાતે જવાની તૈયારી કરતો હતો એ વખતે માતા નર્મદાબહેને તેને રોકયો હતો. જેથી માતા-પુત્ર વચ્ચે આ મામલે ઝઘડો થયો હતો. એ દરમ્યાન બુટલેગર સ્નેહલ મનુભાઇ ત્રિવેદીએ વચ્ચે પડયો હતો અને તેઓને જાતિ વિશે અપમાનજનક શબ્દો બોલતા મામલો બીચકયો હતો. બાદમાં સ્નેહલે તેના ૪૦ જેટલા સાગરિતોને ત્યાં બોલાવી લીધા હતા અને બધાએ ભેગામળી સમગ્ર વિસ્તારમાં આંતક મચાવ્યો હતો અને ૨૫થી વધુ વાહનોને તોડફોડ કરી નર્મદાબહેન સહિત અન્ય ત્રણથી ચાર મહિલાઓને માર માર્યો હતો. બુટલેગર અને તેના સાગરિતોના આંતકને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને આંતકનો માહોલ છવાઇ ગયો હતો. આ બનાવ અંગે માતા નર્મદાબહેન પટણીએ બુટલેગર સ્નેહલ ત્રિવેદી સહિતના આરોપીઓ સામે ગોમતીપુર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે, આંતક મચાવનાર બુટલેગર સ્નેહલ ત્રિવેદી છેલ્લા ઘણા સમયથી જાહેરમાં દારૂ અને નશીલી ચીજવસ્તુઓનું વેચાણ કરે છે છતાં પોલીસ દ્વારા કોઇ જ પગલાં લેવાતા નથી.