(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧ર
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને પાટીદાર સહિતના વિવિધ નારાજ વર્ગોની નારાજગી પ્રયાસો કરવા છતાં યથાવત હોઈ ભાજપના અગ્રણીઓ રઘવાયાં બન્યા હોય તેમ જણાય છે. તેમાંય કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ગુજરાતના બે-બે પ્રવાસમાં તેમને મળેલ પ્રતિસાદને જોતા ભાજપ અગ્રણીઓની ઉંઘ હરામ થઈ જવા પામી છે. આવી સ્થિતિ ભાજપના અગ્રણીઓના નિવેદનો કાર્યક્રમોમાં ફિયાસ્કો-બફાટ પણ જોવા મળી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જ આજે કોંગ્રેસ વિરૂધ્ધ પ્રહારો કરવાના જોશમાં બહુ જ મોટો ભાંગરો વાટ્યો હતો. તેમણે સરદાર પટેલને ભારત રત્ન વાજપેયી સરકાર દ્વારા આપવામાં આવ્યો હોવાનું જણાવતાં રાજકીય વર્તુળોમાં તેની વ્યાપક ચર્ચા શરૂ થઈ જવા પામી છે. છેલ્લા કેટલાક દિવસોથી ભાજપના નેતાઓ દ્વારા સરદાર પટેલને કોંગ્રેસે ભારત રત્ન પણ વર્ષો સુધી ના આપ્યો તે સહિતના વિવિધ પ્રહારો કરવામાં આવી જ રહ્યા છે ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ તે સિલસિલાને આગળ વધારતા પોતાના સંબોધનમાં કોંગ્રેસે સરદાર પટેલને અવગણ્યા હોવાના ભારે આક્ષેપો સાથેના પ્રહારો કર્યા હતા. આ દરમ્યાન જ તેમણે વધુ જોશમાં સંબોધન કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસે ૪૦ વર્ષ સુધી સરદાર પટેલને અવગણી ‘ભારત રત્ન’ એવોર્ડ આપ્યો ન હતો. ત્યારપછી અટલબિહારી વાજપેયીની ભાજપની કેન્દ્રમાં સરકાર આવી તેમણે સરદાર પટેલને ‘ભારત રત્ન’ આપ્યે હતો. મુખ્યમંત્રીના આ નિવેદનથી સભામાં તો આશ્ચર્યમિશ્રિત સોપો પડી ગયો હતો, તે સાથે આ પ્રસરતા રાજકીય આલમમાં પણ વ્યાપક ચર્ચા શરૂ થઈ ગઈ હતી. રૂપાણીએ બરોબરનો ભાંગરો વાટ્યો હોવાનું જણાતા ભાજપના અન્ય નેતાઓને પણ જોવા જેવી થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સરદાર પટેલને ‘ભારત રત્ન’ ચંદ્ર શેખરની સરકારે ૧૯૯૧માં આપ્યો હતો. વાજપેયી તો તેના પાંચ વર્ષે ૧૯૯૬માં પ્રથમવાર વડાપ્રધાન બન્યા હતા અને માત્ર ૧૩ દિવસ જ ટક્યા હતા.