સરદારપુરા કોમી રમખાણ કેસ : ૧૪ નિર્દોષ, ૧૭ને આજીવન કેદ યથાવત્

મકાનમાં સંતાયેલા લઘુમતી કોમના ૩૩ને જીવતાં સળગાવી દેવાયા હતા

 

મહેસાણા જિલ્લાના સરદારપુરા ગામમાં વર્ષ-ર૦૦રમાં થયેલા કોમી રમખાણોમાં એક હજારના ટોળામાં એકઠા થયેલા નરપિશાચોએ ડરના માર્યા એક મકાનમાં છુપાઈ ગયેલા ૩૩ નિર્દોષ લોકોને જીવતા ભૂંજી નાખ્યા હતા અને ગામમાં ભારે તોડફોડ કરી લઘુમતીઓના ઘરોને આગ ચાંપી દીધી હતી. આ ઘટનાને નજરોનજર નિહાળનારા લોકો આજે પણ આ ઘટનાની યાદ તાજી થતાં ફફડી ઉઠે છે. ઉક્ત તસવીરમાં સરદારપુરા ગામમાં ખૂનના પ્યાસાઓએ મચાવેલી તબાહીની ફાઈલ તસવીરો જોઈ શકાય છે. તસવીર પરથી જ તોફાનીઓએ મચાવેલા નરસંહારની ભયાનકતા સાબિત થાય છે. અંતિમ ફાઈલ તસવીર હત્યાકાંડના આરોપીઓની છે.

 

last-2-20-10-2016અમદાવાદ, તા.ર૦

ર૦૦રમાં રાજ્યભરમાંં ફાટી નીકળેલા કોમી રમખાણોમાં મહેસાણા જિલ્લાના સરદારપુરા ગામમાં સર્જાયેલા જઘન્ય નરસંહારમાં એક ઘરમાં છૂપાયેલા ૩૩ લોકોને જીવતા સળગાવી દેવાયા હતા. જેમાં અગાઉ મહેસાણાની સ્પેશિયલ કોર્ટે કુલ ૭૩ આરોપીઓ પૈકી ૩૧ આરોપીઓને જન્મટીપની સજા ફરમાવી હતી. સજા મામલે આરોપીઓ દ્વારા ર૦૧રમાં નીચલી કોર્ટના ચુકાદાને પડકારવામાં આવ્યો હતો. જેના પર સુનાવણી કરતાં હાઈકોર્ટેના જસ્ટિસ હર્ષાબેન દેવાણી અને બિરેન વૈષ્ણવની ડિવિઝન બેંચે ચુકાદો આપતાં નીચલી કોર્ટે  દોષિત ઠેરવેલા ૩૧ પૈકી ૧૪ આરોપીઓને પુરાવાના અભાવે છોડી મૂક્યા હતા. જ્યારે ૧૭ની સજા બરકરાર રાખવામાં આવી છે.

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સરદારપુરા ગામે ર૦૦રમાં રાજ્યભરમાં સર્જાયેલા કોમી રમખાણો દરમ્યાન લઘુમતી કોમના લોકોને નિશાન બનાવી એક હજાર કરતાં વધુ લોકોના ટોળાએ ગામના એક મકાનમાં સંતાયેલા ૩૩ જેટલા મહિલાઓ, પુરૂષો અને બાળકો સહિતના લોકોને જીવતા સળગાવી દઈ જઘન્ય કાંડને અંજામ આપ્યો હતો. આ અંગે પોલીસ કાર્યવાહી બાદ ૭૩ જણા સામે આરોપનામું ઘડાયું હતું જેમાં આરોપીઓ સામે રાયોટિંગ, હત્યા, હત્યાનો પ્રયાસ સહિતના આરોપો મૂકાયા હતા. મહેસાણાની નીચલી કોર્ટે આ મામલે ચુકાદો આપતાં ૩૧ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે ૪ર આરોપીઓને નિર્દોષ છોડી મૂકાયા હતા. જ્યારે સજા પામેલા આરોપીઓ દ્વારા ર૦૧રમાં મહેસાણાની નીચલી કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેના પર ર૮ જૂન ર૦૧૬થી સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે એવા સાક્ષીઓના પુરાવાને માન્ય રાખ્યો હતો કે જેઓએ પોલીસ નિવેદનમાં પણ નામ આપ્યું હોય. કોર્ટમાં પણ નામ આપ્યું હોય અને કોર્ટમાં આરોપીઓને ઓળખી બતાવ્યા હોય. આમ કોર્ટના ક્રાયટેરીયા મુજબ જેના બે લોકો સાક્ષી હોય તેવા આરોપીને સજા કરાતાં અન્ય આરોપીઓને તેનો લાભ મળતાં તેઓ મુક્ત થયા છે. આમ કોર્ટે  સાક્ષીઓનું મૂલ્યાંકન ખૂબ જ ઊંડાણપૂર્વક કર્યું હતું. અને નીચલી કોર્ટ દ્વારા દોષિત ૩૧ પૈકી ૧૪ આરોપીઓને નિર્દોષ છોડી મૂકી ૧૭ આરોપીઓની સજા યથાવત રાખી છે. આ કેસ સાથે સંકળાયેલા એડવોકેટ મિહિર દેસાઈ, યુસુફ શેખ, સમીર મનસુરી અને કલ્પેશ શાસ્ત્રી તેમજ ગુજરાત ટુડેના એમ.એમ. તીરમીઝીએ આ ચુકાદા અંગે સંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ચુકાદાનો અભ્યાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

 

 

સરદારપુરા હત્યાકાંડની ઝાંખી

  • વર્ષ ૨૦૦૨ મહિનો માર્ચ
  • મહેસાણાના વિજાપુર તાલુુકાના સરદારપુરા ગામમાં શેખવાડીના પાકા મકાન ઉપર હુમલો
  • મકાન ઉપર હુમલા બાદ સળગાવી દેવાતા ૩૩ના મોત
  • કુલ આરોપીઓ ૭૬
  • ૨ માર્ચ ૨૦૦૨માં ફરિયાદ નોંધાઈ જેમા ૫૫ આરોપીઓ પૈકી એક સગીર આરોપી હતો
  • તા.૨૬ માર્ચ ૨૦૦૮માં સુપ્રીમ કોર્ટના આદેશથી સીટની નિમણૂંક થતા નવા ૨૧ આરોપીઓના નામ ખૂલ્યા
  • સમયાંતરે બે આરોપીના મૃત્યુ થયા હતા
  • તા.૨૩ જૂન ૨૦૦૯ના રોજ ૭૩ આરોપીઓ સામે તહોમતનામું ફરમાવ્યું
  • કેસના કુલ ૧૫૭ સાક્ષીઓ હતા. જેમાંથી ૧૧૨ સાક્ષીઓને કોર્ટમાં તપાસવામાં આવ્યા
  • તા.૧ મે ૨૦૦૯ના રોજ સુપ્રીમ કોર્ટે બીજો આદેશ કર્યો
  • ગોધરાકાંડના નવ કેસો માટે નવી ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા હુકમ કર્યો
  • જેમા મહેસાણાની સ્પેશિયલ કોર્ટે સરદારપુરા કાંડમાં ૩૧ આરોપીઓને જન્મટીપ અને ૪૨ને નિર્દોષ છોડ્યા હતા.
  • આરોપીઓ દ્વારા ૨૦૧૨માં મહેસાણાની નીચલી કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
  • ૨૮ જૂન ૨૦૧૬થી ૨૦ ઓક્ટોબર સુધી કુલ ૧૧૩ જેટલા દિવસ હાઈકોર્ટમાં કેસ ચાલ્યો
  • ૨૦ ઓક્ટોબરના રોજ નીચલી કોર્ટે દોષિત ઠેરવેલા ૩૧ પૈકી ૧૪ આરોપીઓનો નિર્દોષ છૂટકારો અને ૧૭ની સજા યથાવત રખાઈ

 

ચુકાદાથી સંતોષ, પરંતુ સુપ્રીમમાં જવાનો મક્કમ નિર્ધાર

આ ચુકાદા અંગે સંતોષ વ્યક્ત કરતાં સાક્ષી પક્ષના વકીલ મીહિર દેસાઈ, યુસુફ વી. શેખ, સમીર એમ. મનસુરી અને કલ્પેશ એન. શાસ્ત્રીએ જણાવ્યું છે કે અમે કોર્ટના આ ચુકાદાથી સંતુષ્ટ છીએ અને તેને આવકારીએ છીએ પણ આ મુદ્દે અમે હજુ વધુ લડત ચલાવવા માટે અડગ છીએ અને જે પ્રકારનો અમાનવીય કાંડ સર્જાયો હતો તેમાં વધુ આરોપીઓને સજા મળે તે દિશામાં અમે સુપ્રીમમાં આગળ જઈ ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છીએ.

 

 

last-4-20-10-2016નિર્દોષ છૂટેલા આરોપીઓ સામે સુપ્રીમમાં જઈશું

આરોપીઓને સજા મળી તેનાથી સંતોષ : તિસ્તા

સરદારપુરા હત્યાકાંડ કેસમાં ૩૧ આરોપીમાંથી ૧૭ આરોપીઓને હાઈકોર્ટે આજીવન કેદની સજા ફટકારી અને ૧૪ને નિર્દોષ છોડી મુક્યા છે. ત્યારે આ ચુકાદા અંગે સીટીઝન્સ ફોર જસ્ટીસ એન્ડ પીસના તિસ્તા સેતલવાડે ગુજરાત ટુડે સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, હાઈકોર્ટે ૧૭ આરોપીઓને સજા કરતો ચૂકાદો આપ્યો તેનાથી સંતોષ છે. પરંતુ જેમને નિર્દોષ છોડ્યા છે. તેમની સામે સુપ્રીમમાં જઈશું. સમગ્ર કેસમાં સીટની ઈન્વેસ્ટીગેશનને હાઈકોર્ટે રદ કરી છે. એટલે કે, સરદારપુરા કેસમાં સીટની ઢીલીનીતિ પણ ઉડીને આંખે વળગી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તિસ્તા સેતલવાડના એનજીઓએ કેસના પ્રારંભથી જ વકિલોની ટીમ બનાવવાથી માંડીને તમામ પ્રકારની સહાય સાથે મક્કમતાપૂર્વક આ કેસમાં લડત આપી હતી.

 

સરદારપુરા કાંડમાં કેવો હતો મહેસાણા કોર્ટનો ચુકાદો ?

અમદાવાદ,તા.૨૦

૨૦૦૨ના ગોધરાકાંડ બાદ રાજ્યમાં ફાટી નિકળેલા તોફાનો પૈકી એવા મહેસાણાના સરદારપુરા કાંડ છે. જેમાં અગાઉ મહેસાણાની સ્પેશિયલ કોર્ટે ૩૧ આરોપીઓને જન્મટીપની સજા ફરમાવી હતી. વિગત એવી છે કે, ૨૦૦૨ના ગોધરાકાંડના મહેસાણા જિલ્લાના સરદારપુરા ગામની એક નાનકડી ઓરડીમાં ૩૩ નિર્દોષોને જીવતા સળગાવી દેવાતા હિચકારા કૃત્યથી માનવજાત શર્મસાર થઈ હતી. એવા સરદારપુરા કેસમાં મહેસાણાની સ્પેશિયલ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદા મારફતે કુલ ૭૩માંથી ૩૧ આરોપીઓને જન્મટીપની સજા ફરમાવી હતી. તદ્દઉપરાંત આરોપીઓને રૂા.૨૧,૭૦૦થી ૨૩,૭૦૦ સુધીની રકમ દંડ પેટે ચુકવવાનું ફરમાન કર્યું હતું. તેમજ મૃતકોના કુટુંબીઓને વળતર રૂપે રૂા.૫૦,૦૦૦ આપવાનું પણ જજે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું. અન્ય ૪૨ આરોપીઓમાંથી ૧૧ને પુરાવાના અભાવે નિર્દોષ મુક્ત કરાયા હતા. તેમજ અન્ય ૩૧ને શંકાનો લાભ આપી છોડી દેવામાં આવ્યા હતા.

 

 

 

આજીવન કેદના ગુનેગારો

૧. પટેલ ચતુરભાઈ ઉર્ફે ભુરિયો વિઠ્ઠલભાઈ

ર. પટેલ કચરાભાઈ ત્રિભોવનદાસ

૩. પટેલ સુરેશભાઈ રણછોડભાઈ

૪. પટેલ તુલસીભાઈ ગિરધરભાઈ

પ. પટેલ રાજેશભાઈ કરસનભાઈ

૬. પટેલ રમેશભાઈ કાન્તિભાઈ

૭. પટેલ માધાભાઈ વિઠ્ઠલભાઈ

૮. પટેલ વિષ્ણુભાઈ પ્રહલાદભાઈ

૯. પટેલ રાજેન્દ્ર-રાજેશ પૂજાભાઈ

૧૦. પટેલ રમેશભાઈ રાજાભાઈ

૧૧. પટેલ પરષોત્તમ/પસાભાઈ મોહનભાઈ

૧ર. પટેલ અશ્વિનભાઈ જગાભાઈ

૧૩. અંબાલાલ મગનભાઈ કપૂર

૧૪. પટેલ રમેશભાઈ પ્રભાભાઈ

૧પ. પટેલ જયંતિભાઈ અંબાલાલ

૧૬. પટેલ ડાહ્યાભાઈ કચરાભાઈ

૧૭. પટેલ મથુરભાઈ ત્રિકમદાસ

 

 

નિર્દોષ છોડેલા આરોપી

૧. પટેલ રમેશભાઈ કાનજીભાઈ

ર. પટેલ જયંતિભાઈ મંગળભાઈ

૩. પટેલ ભીખાભાઈ જોયતાભાઈ

૪. પટેલ મંગળભાઈ મથુરભાઈ

પ. પટેલ જગાભાઈ દવાભાઈ

૬.  પટેલ મથુરભાઈ રામાભાઈ

૭. પટેલ રમણભાઈ જીવણભાઈ

૮. પટેલ પ્રહલાદભાઈ જગાભાઈ

૯. પટેલ ડાહ્યાભાઈ વનાભાઈ

૧૦. પટેલ કનુભાઈ જોયતારામ (પૂર્વ સરપંચ)

૧૧. પ્રજાપતિ રમણભાઈ ગણેશભાઈ

૧ર. પટેલ અમરતભાઈ સોમાભાઈ

૧૩. પટેલ સુરેશભાઈ બળદેવભાઈ

૧૪. પટેલ કાળાભાઈ ભીખાભાઈ

– ઉપરના નિર્દોષ છોડાયેલા આરોપીઓ પૈકી પ્રથમ ૧૧ને શકનો લાભ આપી જ્યારે અંતિમ ત્રણને પુરાવાનો અભાવ છે તેવો હુકમ કરી મુક્ત કરાયા છે.

 

 

 

સ્પે. કોર્ટે ચુકાદામાં શું નોંધ્યું હતું ?

મહેસાણાની સ્પેશિયલ કોર્ટે સરદારપુરા હત્યાકાંડને પૂર્વ આયોજિત કાવતરૂં ન ગણીને આરોપીઓને કલમ ૧૨૦ (બી)માંથી મુક્તિ આપી હતી. જ્યારે કલમ ૩૦૨, ૩૦૭ અને ૧૪૯ વગેરે હેઠળ ગેરકાયદેસર મંડળી રચી તીક્ષ્ણ અને ખતરનાક હથિયારો વડે હુમલો કરી નિર્દોષ મહિલા બાળકોને મોતને ઘાટ ઉતારવા ગુનો નોંધીને આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવી હતી.

 

સ્પેશિયલ કોર્ટે કોને ગણાવ્યા હતા દોષિત ?

અમદાવાદ,તા.૨૦

સરદારપુરા કાંડમાં મહેસાણાની સ્પેશિયલ કોર્ટે દોષિત ઠેરવેલા આરોપીઓના નામ નીચે મુજબ છે. પટેલ રમેશભાઈ કાનજીભાઈ, પટેલ ચતુરભાઈ ઉર્ફે ભુરિયો વિઠ્ઠલભાઈ, પટેલ જયંતિભાઈ મંગળભાઈ, પટેલ અમરતભાઈ સોમાભાઈ, જગાભાઈ દવાભાઈ, પટેલ કચરાભાઈ ત્રિભોવનદાસ, મંગળભાઈ મથુરભાઈ, ભીખાભાઈ જોઈતાભાઈ, પટેલ મથુરભાઈ રામાભાઈ, સુરેશભાઈ રણછોડભાઈ, તુલસીભાઈ ગીરધરભાઈ, રમણભાઈ જીવણભાઈ, રાજેશભાઈ કરશનભાઈ, પટેલ રમેશભાઈ કાંતિભાઈ, માધાભાઈ વિઠ્ઠલભાઈ, પટેલ સુરેશકુમાર બળદેવભાઈ, વિષ્ણુભાઈ પ્રહલાદભાઈ, રાજેન્દ્રકુમાર  ઉર્ફે રાજેશ પી.ત્રિભોવનદાસ, પટેલ પ્રહલાદભાઈ જગાભાઈ, રમેશભાઈ રામાભાઈ, પરશોત્તમભાઈ ઉર્ફે પશાભાઈ મોહનભાઈ, પટેલ અશ્વિનભાઈ જગાભાઈ, અંબાલાલ મગનભાઈ કપુર, રમેશભાઈ પ્રભાભાઈ, જયંતીભાઈ અંબાલાલ, પટેલ કનુભાઈ જોઈતારામ, પ્રજાપતિ રમણભાઈ ગણેશભાઈ, ડાહ્યાભાઈ કચરાભાઈ, મથુરભાઈ ત્રિકમદાસ, પટેલ ડાહ્યાભાઈ વનાભાઈ, કાળાભાઈ ભીખાભાઈ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts