(એજન્સી) નવી દિલ્હી, તા.ર૪
કેન્દ્ર સરકારે તેવી સ્પષ્ટતા કરી છે કે પેટ્રોલિયમ પેદાશો પરનો ટેક્સ ઘટાડવામાં નહીં આવે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે કહ્યું કે પેટ્રોલિયમ પેદાશો પર ટેક્સ ઘટાડવાની કોઈ શક્યતા નથી કારણ કે ટેક્સમાં મળતી આવકથી જ સરકાર સામાન્ય નાગરિક માટે કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. પેટ્રોલ-ડીઝલ પરના ટેક્સમાં કપાત અંગે પ્રધાને કહ્યું, શું તમારે સારી સડકો, પીવા માટે સ્વચ્છ પાણી, બાળકો માટે સારું શિક્ષણ નથી જોઈતું ? વિકાસલક્ષી અને કલ્યાણકારી યોજનાઓ માટે ભંડોળની જરૂરિયાત હોય છે તેવામાં બંને હાથમાં લાડુ ન હોઈ શકે. પ્રધાને કહ્યું કે લોકતંત્રમાં લોકો પાસેથી મળેલા ટેક્સથી જ સામાન્ય જનતા દ્વારા ચલાવવામાં આવી રહેલી કલ્યાણકારી યોજનાઓને ભંડોળ મળે છે તેમાં કોઈ છુપી વાત નથી. બધા જ જાણે છે કે ટેક્સ દ્વારા મેળવેલી આવકથી જ કલ્યાણકારી યોજનાઓ ચાલે છે. પેટ્રોલિયમ પેદાશોને જીએસટી હેઠળ લાવવા અંગે ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે અમે તમામ રાજ્યો વચ્ચે સામાન્ય અભિપ્રાય બનાવ્યો છે. ટૂંક સમયમાં પેટ્રોલિયમ પેદાશોને જીએસટી હેઠળ લાવવામાં આવશે.