મગફળી કૌભાંડ માટે સરકારે બનાવેલું તપાસ પંચ એટલે ‘સરકાર બચાવો મિશન’

અમદાવાદ, તા.ર૧
મગફળીકાંડની તપાસ માટે રચવામાં આવેલા નિવૃત્ત જજ એચ.કે. રાઠોડ તપાસ પંચને લઈને વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, મગફળીકાંડની નૈતિક જવાબદારી સ્વીકારી રાજ્યના મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ. માત્ર ભીનું સંકેલવા માટે નિવૃત્ત જજની અધ્યક્ષતાવાળા પંચની રચના કરવામાં આવી છે. તપાસ પંચમાં મગફળી ગોડાઉનમાં લાગેલી આગ, ખરીદીની પ્રક્રિયા, મંડળીઓ અને રાજ્ય કક્ષાની એજન્સીઓની પસંદગી કયા સ્થળે અને કોણે કરી ? ગોડાઉનમાં કોના ઈશારે માલ ભરાયો અને ભાડું નક્કી કરાયું ? વગેરે વિષય તપાસના દાયરામાં આવરી લેવામાં આવ્યા નથી અને મગફળી કૌભાંડમાં પડદો પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. રાજ્યની ભાજપ સરકારે જ્યારે-જ્યારે ભ્રષ્ટાચારમાં ઘેરાય ત્યારે બચવા માટે તપાસપંચની માત્ર રચના જ કરે છે. અગાઉના ૧૧ કમિશન અને સરકારી તપાસના અસંખ્ય અહેવાલ હજુયે શું કામ અધ્ધરતાલ છે ? મગફળીની ખરીદીમાં રૂા.૪૦૦૦ કરોડનો ભ્રષ્ટાચાર થયો. સરકાર પણ હવે ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્વીકારી રહી છે. આ તપાસપંચ માત્ર નાટક જ છે માટે કોંગ્રેસની માંગ છે કે સિટીંગ જજની દેખરેખ હેઠળ ચોક્કસ સમયમર્યાદામાં તપાસ થાય. આ તપાસ પંચ એટલે “સરકાર બચાવો મિશન” માણસને મૂર્ખ સમજતી સરકારનું “મગફળીકાંડ” મુદ્દે ભ્રષ્ટાચારીઓને છાવરવાનું નવું મિશન બની રહેશે. કાયદાની આડમાં કૌભાંડો ઉપર પડદો પાડવાનું કાવતરું એટલે જ ‘ઈન્ક્વાયરી કમિશન’ ! એમ પરેશ ધાનાણીએ જણાવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મગફળીના ભાવ વિધાનસભા-ર૦૧૭ની ચૂંટણીઓ પહેલાં રૂા.પ૦૦, ચૂંટણી ટાંણે રૂા.૯૦૦ અને ચૂંટણી પછી રૂા.પપ૦ પ્રતિ મણના ભાવો હતા. ખેડૂતોના મત લેવા માટે સપ્ટેમ્બર-ર૦૧૭માં ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી હતી. આ રૂા.૪૦૦૦ કરોડની મગફળી ખરીદીમાં થયેલી ગેરરીતિની તાત્કાલિક ધોરણે ન્યાયિક તપાસ માટે કોંગ્રેસ પક્ષે વિધાનસભામાં, વિધાનસભા બહાર, રાજ્યપાલ, મુખ્યમંત્રી કૃષિ મંત્રી, કૃષિ સચિવને પત્ર લખીને વિનંતી સહમાગણી કરી હોવા છતાં આજદિન સુધી સરકારે આ માગણી સ્વીકારી નથી. આમ ૬ મહિનાઓથી સરકાર કૌભાંડીઓને છાવરી રહી હોવાથી ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા રાજ્યમાં થયેલ રૂા.૪૦૦૦ કરોડના મગફળી કાંડને લઈને આક્રમક લડાઈ લડવામાં આવી રહી છે. તેઓએ મગફળી રાખેલ ગોડાઉનો પર પ્રતીક ઉપવાસ કર્યા અને અમદાવાદમાં ૩ દિવસના અન્ન ત્યાગ ઉપવાસ કાર્યક્રમ ચાલુ કર્યો હતો પરંતુ રાજધર્મની હંમેશા રખેવાળી કરનારા દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલજીએ વસમી વિદાય લેતા તેમને શ્રદ્ધાંજલી સહ હાલ પૂરતું આંદોલન મોકૂફ રાખ્યું છે. ધાનાણીએ જણાવ્યું હતું કે, કૃષિમંત્રીની અધ્યક્ષતા હેઠળ તા.૩-૯-ર૦૧૮ના રોજ રાજ્યકક્ષાએ મળેલી મીટિંગમાં ટેકાના ભાવથી રાજ્યમાં મગફળીની ખરદી કરવા માટે ગુજકોટ, ગુજકોમાસોલ, ગુજપ્રો, બનાસડેરી તથા સાબરડેરીની સ્ટેટ એજન્સી તરીકે પસંદગી કરવામાં આવી અને ત્યારબાદ સરકારના મળતિયાઓ દ્વારા ૨૫૯ જેટલા મગફળી ખરીદી કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી હતી તેમજ આ ભાજપ સરકારના મળતિયાઓ મારફતે કોઈપણ પ્રકારની સુરક્ષા વગરનાં ગોડાઉનો ઉંચા ભાવથી ભાડે રાખવામાં આવ્યા હતા અને આવા સરકારના મળતિયાઓ દ્વારા ખેડૂતો પાસેથી રૂ. ૫૦ થી રૂ. ૨૦૦નું કમિશન લઈને રૂ. ૯૦૦ના ટેકાના ભાવે હલકી ગુણવત્તાની મગફળી ખરીદવામાં આવી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts