પાટણ, તા.૪
પાટણ શહેર સહિત જિલ્લામાં ઉપવાસ પર ઉતરેલા પાસ કન્વિનર હાર્દિક પટેલને પ્રચંડ સમર્થન મળી રહ્યું છે. ગતરાત્રે શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પાટીદાર મહિલાઓ અને પુરૂષો હાથમાં થાળી-વેલણનો ઘંટરાવ કરતાં રેલી સ્વરૂપે નીકળ્યા હતા અને બગવાડા ચોકમાં એકત્ર થઈ થાળી-વેલણ વગાડી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. મોટી સંખ્યામાં એકત્ર થયેલા પાટીદાર સ્ત્રી-પુરૂષોએ હાયરે ભાજપ હાય…. હાય.. રે મોદી હાય….. હાય…., હાય રે અમિત શાહ હાય… હાય…..ના સૂત્રો પોકારી જય જવાન જય કિશાનના નારા લગાવી મહિલાઓએ ભાજપ સરકારના છાજીયા લીધા હતા. આ કાર્યક્રમને પગલે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો.
આ પ્રસંગે પાટીદાર અનામત આંદોલન પાટણ જિલ્લાના કન્વીનર હાર્દિકભાઈ પટેલ (અડીયા)એ જણાવ્યું હતું કે, સરકાર હાર્દિકની માંગણીઓ સંદર્ભે હકારાત્મક નિર્ણય નહીં લે તો ગુરૂવારે પાટણ શહેરની શાળા-કોલેજોમાં બંધનું એલાન જાહેર કરવામાં આવશે. ત્યારબાદ આશ્ચર્યજનક કાર્યક્રમો કરવામાં આવશે. આ ઉપરાંત પાટણ તાલુકાના આંબાપુર ગામે ૧૦ અને ચાણસ્મા તાલુકાના પીંઢારપુરાના ૬ યુવાનોએ માથે મુંડન કરાવી હાર્કિદ પટેલને સમર્થન આપ્યું હતું.