બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન મામલે રપ જૂન સુધી ખુલાસો કરવા હાઈકોર્ટની સરકારને નોટિસ

અમદાવાદ, તા.૨૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન શરૂ કરવા માટે જમીન સંપાદન ની પ્રક્રિયા ગુજરાત હાઇકોર્ટમાં દક્ષિણ ગુજરાતના ચાર ખેડૂતો દ્વારા અરજી કરવામાં આવતા હાઈકોર્ટે સરકાર પાસેથી સુચના મેળવીને આગામી સોમવારે સુનાવણી હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ જાપાન સાથે મળીને અમદાવાદ-મુંબઈ વચ્ચે ૫૦૨ કિલોમીટર લાંબા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ની જાહેરાત કરી હતી. બીજી બાજુ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા ખેડૂત સંપર્ક અભિયાન હાથ ધરીને ખેડૂતોનો મત લેવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં ૧૯૨ ગામના ખેડૂતો આ પ્રોજેક્ટથી અસરગ્રસ્ત થતા હોવાથી અમદાવાદ ગાંધી આશ્રમથી કરીને ખેડૂત સમાજના અગ્રણીઓ વાપી સુધી જશે અને ખેડૂતોને મળીને તેમને શું અસર થઈ રહી છે તે બાબતે તેમનો જનમત લેશે અને તેને ભારત અને જાપાનના સંસદમાં રજૂ કરશે.
કેસની વિગતો મુજબ સુરત જિલ્લાના અંત્રોલી ગામના ખેડૂતો હિતેશભાઈ લાડ અને બાલુભાઇ પટેલ તથા અન્યો દ્વારા હાઇકોર્ટમાં પિટિશન કરીને રજૂઆત કરી હતી કે રાજ્ય સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવાની કામગીરી હાથ ધરી છે. તેમની જમીન સંપાદન થાય તેવી શક્યતાઓ છે તેમની જમીન ખૂબ જ ફળદ્રુપ છે અને ભારતની સૌથી મોંઘી જમીન પૈકીની એક છે. રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડવામાં કોઈપણ કાયદાનું પાલન કર્યું નથી અને ખેડૂતોની હાલની બજાર કિંમત પણ નક્કી કરી નથી. બીજું કે આ પ્રોજેક્ટ અમદાવાદ અને મુંબઈ વચ્ચે વચ્ચે હોવાથી રાજ્ય સરકાર તેના માટે જાહેરનામુ બહાર પાડી શકતો નથી તેમ છતાં તેમણે જાહેરનામુ બહાર પાડયું છે. તેથી ખેડૂતોને તેમની જમીનનો યોગ્ય ભાવ મળે તેમ નથી કે જો તેમની જમીન લઈ લેવામાં આવે તો તેઓ તેમની રોજગારી ગુમાવી શકે તેમ છે. ખેડૂતોએ વધુમાં રજૂઆત કરી હતી કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિકાસના નામે ખેડૂતોની જમીનો લઇ લેવામાં આવે છે જેનો ફાયદો સમાજના અમુક પૈસાપાત્ર વ્યક્તિઓને થાય છે અને ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડે છે. તેમને અને તેમના પરિવારને રોજગારી ગુમાવવાનો વારો આવે છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિકાસની વાતો આંખોમાં ધૂળ નાંખવા જેવી છે અને સમાજના અમુક વર્ગ માટે કામનો છે જેને કારણે પારાવાર મુશ્કેલી પડે તેમ છે. આથી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલું જાહેરનામું ગેરકાયદેસર જાહેર કરવું જોઈએ અને તેના માટે યોગ્ય કાનૂની પ્રક્રિયા કર્યા બાદ જ અને ખેડૂતોને જમીનની કિંમત મળે તે માટેની કાર્યવાહી કર્યા બાદ જ કોઈપણ પ્રક્રિયા આગળ વધારવી જોઈએ. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે વડાપ્રધાન મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નો પાયો નાખ્યો હતો. આ પ્રોજેક્ટમાં અમદાવાદ અને મુંબઈ વચ્ચે ગણતરીના કલાકોમાં પહોંચી જવાય તેવી રૂપરેખા નક્કી કરવામાં આવી છે પરંતુ આ પ્રોજેક્ટ બાબતે રાજકીય પક્ષો દ્વારા ભાજપ સરકારની ભારે ટીકા કરવામાં આવી રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks