Ahmedabad

સરકાર સહિતના તમામ પક્ષકારોને આજે જવાબ રજૂ કરવા હાઈકોર્ટનો હુકમ

અમદાવાદ,તા.૩૦
ગુજરાત સ્વનિર્ભર શાળા ફી નિર્ધારણ કાયદાને પડકારતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી ઢગલાબંધ અરજીઓની સુનાવણીમાં આજે હાઇકોર્ટે રાજય સરકાર સહિતના તમામ પક્ષકારોને આવતીકાલ સુધીમાં જવાબ રજૂ કરી દેવા હુકમ કર્યો હતો. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, પક્ષકારો તરફથી જવાબ રજૂ થયા બાદ હાઇકોર્ટે આ કેસમાં ચુકાદો જાહેર કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સ્વનિર્ભર શાળા ફી નિર્ધારણ કાયદો અમલી બનાવાતાં રાજયની ઢગલાબંધ સ્વનિર્ભર શાળાઓએ હાઇકોર્ટમાં અલગ-અલગ અરજીઓ કરી આ કાયદાની કાયદેસરતાને પડકારી હતી. અરજદાર સ્વનિર્ભર શાળાઓ તરફથી અગાઉ એવી રજૂઆત કરાઇ હતી કે, સ્વનિર્ભર શાળાઓ પર સરકાર આ પ્રકારે ફીનું નિયંત્રણ લાદી શકે નહી કારણ કે, શાળાઓ વિદ્યાર્થીઓના શિક્ષણ, તેમની સુવિધા અને સ્ટાફ કર્મચારીઓ અને મેનેજમેન્ટ પાછળ વિશેષ ખર્ચો કર્યો હોઇ સ્વનિર્ભર શાળાઓને તેમની રીતે ફી ઉઘરાવવાની સત્તા છે. ફી નિયંત્રણના લીધે વિદ્યાર્થીઓના શિક્ષણ અને સવલતો પર તેની સીધી અસર પહોંચી શકે છે. આ સંજોગોમાં સરકારનો કાયદો ગેરકાયદેસર અને ગેરબંધારણીય હોઇ તેને રદબાતલ ઠરાવવો જોઇએ. દરમ્યાન રાજય સરકાર તરફથી આ અરજીઓનો સખત વિરોધ કરતાં જણાવાયું હતું કે, સરકારે કાયદાકીય અને બંધારણીય જોગવાઇને સંસુગત એવો આ કાયદો જારી કર્યો છે, તેથી તેની કાયદેસરતાને પડકારવાનો કોઇ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. વળી, સરકારે વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં આ કાયદો અમલી બનાવ્યો છે. વર્ષોથી સ્વનિર્ભર શાળાઓ ફી ના ઓઠા હેઠળ વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી ઉઘાડી લૂંટ ચલાવી રહી હતી, તેની પર નિયંત્રણ અને અંકુશ લગાવવાના ઉમદા આશયથી આ કાયદો બનાવવામાં આવ્યો છે, જે આખરે સમાજ અને શિક્ષણના હિતમાં છે. સ્વનિર્ભર શાળાઓની પિટિશનો અસ્થાને હોઇ હાઇકોર્ટે તેને રદબાતલ ઠરાવી ફગાવી દેવી જોઇએ.