સરકાર સામે સત્યાગ્રહ કરવા હવે નાણાં ચૂકવવાનું ફરમાન !

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.ર
ગુજરાતની ભાજપ સરકાર પ્રજાને ન્યાય આપવાના બદલે તેમનો અવાજ દબાવી દેવાનો પ્રયાસ કરી રહી છે. ગાંધીનગર સચિવાલય અને વિધાનસભાના દરવાજા સામાન્ય પ્રજા માટે બંધ કરી દેવાયા બાદ જયાં પાટનગરની સ્થાપના પછીથી ધરણા, રેલી કે આંદોલનો થતા હતા તે ચ-પ સર્કલને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરી લોકોની રજૂઆતો બંધ કરી દેવાઈ. હવે સેકટર ૬માં સત્યાગ્રહ છાવણી ખાતે જયાં ધરણા, આંદોલન કે સત્યાગ્રહ થતા હતા તે જગ્યાનું ભાડું ભરવાનો નિર્ણય કરી પ્રજાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
રૂપાણી સરકાર દ્વારા ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે રાજયની પ્રજાને પોતાનો અવાજ રજૂ કરવા માટે ધરણા કે સત્યાગ્રહ યોજવા ભાડું ભરવાના કરાયેલા નિર્ણયનો ઉગ્ર વિરોધ કરતા કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા ડો. હિમાંશુ પટેલે સત્યાગ્રહ છાવણીએ કોઈપણ પ્રકારના ભાડા-પૈસા વિના સત્યાગ્રહીઓ માટે મંડપ, શેડ, માઈક, ચા, પાણી, શૌચાલય, મેડિકલ સારવાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવા માગણી કરી છે. રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે જગ્યાનું ભાડું વસૂલવાના કરાયેલા નિર્ણયને સખત શબ્દોમાં વખોડી કાઢતા તેમણે જણાવ્યું છે કે શોષિત પ્રજાને ન્યાય આપવાના બદલે તેમનો અવાજ દબાવી દેવાનો આ પ્રયાસ છે. ગુજરાતમાં મોદી શાસન આવતા જ ગાંધીનગરમાં સચિવાલય અને વિધાનસભાના દરવાજા આમ જનતા માટે બંધ કરી દેવાયા છે. આ પછી પાટનગરની સ્થાપના વખતથી ચ-પ સર્કલ ખાતે ધરણા, રેલી કે આંદોલનના કાર્યક્રમો યોજવામાં આવતા હતા. તેને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરી છેવાડાના માનવીઓની રજૂઆતો બંધ કરી દેવાઈ, એ જ રીતે સચિવાલય આસપાસ બે ત્રણ કિલોમીટરના વિસ્તારોને પ્રતિબંધિત જાહેર કરી શોષિત પ્રજાને ફરકવા પણ દેવામાં આવતી નથી. હવે, સેકટર-૬માં સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા, આંદોલન કે સત્યાગ્રહ માટે જગ્યા લેવા ભાડું ભરવું પડશે. સરકારની મંજૂરી મળે તો જ યોજાતા આ કાર્યક્રમોમાં હવે ગરીબ, શોષિત અને અન્યાય થયો છે તેવી પ્રજાને તેમની રજૂઆતો માટે પણ પૈસા ખર્ચવા પડશે. કર્મચારીઓથી લઈ છેવાડાના માનવીના લોકપ્રશ્નોની રજૂઆતો માટે સત્યાગ્રહ છાવણી અસરકારક પ્લેટફોર્મ હોય છે ત્યારે ભાજપના શાસકો ભાડું વસૂલવા અને મંજૂરીના બહાને જનતાનો અવાજ દબાવી દેવા માગે છે તેની સામે કોંગ્રેસ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવશે. જેમાં સત્યાગ્રહ છાવણી ખાતે કોઈપણ પ્રકારના ભાડા-ચાર્જ વિના મંજૂરી આપી મંડપ-શેડ, માઈક, ચા-પાણી, શૌચાલય, મેડિકલ સારવાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવા માગણી કરવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts