(એજન્સી) સના,તા.ર૮
સનામાં પૂર્વ યમની રાષ્ટ્રપતિ અલી અબ્દુલ્લાહ સાલેહના વફાદાર કર્નલ અને બે હૌથી લડાકુઓને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. જેના બાદ સાલેહ સાથે ગઠબંધન ધરાવતી પાર્ટીઓમાં તડાં પડતાં આગામી સમયમાં યમનમાં આર-પારનો યુદ્ધ સર્જાય તેવી ભીતિ છે. સાલેહ અને તેને ટેકેદાર લડાકુ સંગઠન અબ્દુલ મલિક અલ હૌથી વચ્ચે સરકાર વિરોધી ગઠબંધનની સ્થાપના કરાઇ હતી. જેમાં છેલ્લા કેટલાક દિવસોથી હૌથીના વડા અબ્દુલ મલિક અલ હૌથી અને સાલેહ વચ્ચે આરોપ-પ્રતિઆરોપબાજી ચાલી રહી છે. આ બંનેએ એકબીજા પર રાષ્ટ્રદ્રોહ અને દગાબાજી કરવાનો આરોપ મૂક્યો છે. સનામાં હાલમાં પણ સાલેહ અને હૌથીઓ કબજો ધરાવે છે. આ ગઠબંધન કહે છે કે પૂર્વ રાષ્ટ્રપતિની સેનાએ દક્ષિણ ભાગમાં પ્રભુત્વ મેળવ્યો છે. આ વિસ્તાર પ્રેસિડેન્સિયલ ઓફિસની નજીક આવેલો છે. ર૦૧રમાં રાજીનામું આપ્યા બાદ પણ સાલેહ ત્યાં કબજો જમાવી બેઠા છે. તેમણે કહ્યું કે સાબિન સ્કવેર અને હદ્દા જિલ્લામાં સેના તહેનાત કરી દેવામાં આવી છે. સાલેહની જનરલ પીપલ્સ કોંગ્રેસ પાર્ટીએ જણાવ્યું કે જો આ મામલે વધુ ચુપ્પી સાધવામાં આવશે તો આગામી સમયમાં જોરદાર યુદ્ધ છંછેડાઇ શકે છે. જીપીસીના વિદેશી બાબતોના ઉપવડા કર્નલ ખાલેદ અલ રીદાનું શનિવારે મોડી રાતે સાલેહના સમર્થકો અને અબ્દુલ મલિક અલ હૌથીના વડા વચ્ચેની અથડામણમાં મોત થયું હતું. સૂત્રોએ જણાવ્યું કે આ અથડામણ હૌથીઓના ચેકપોઇન્ટ હદ્દા ખાતે સર્જાઇ હતી. કોઇક વાતને લઈને બંને પક્ષો સામ સામે આવી ગયા હતા. બળવાખોરો દ્વારા ચલાવાતી સબા ન્યૂઝે જણાવ્યું કે પોપ્યુલર સમિતિના બે સભ્યોના પણ મોત થયા હતા. જે હૌથી વિદ્રોહીઓ સાથે ગઠબંધન ધરાવે છે. ર૦૧૪માં સાલેહ અને હૌથીઓ વચ્ચે ગઠબંધન થયું હતું. જોકે છેલ્લા કેટલાક દિવસોમાંથી હૌથી અને સાલેહ વચ્ચે જોરદાર શાબ્દિક ટપાટપી થઇ રહી છે. બંને એકબીજાને રાષ્ટ્રદ્રોહી અને દગાબાજ કહી રહ્યાં છે.