અમદાવાદ, તા.૧૬
યુપીના ગોરખપુરમાં ઓક્સિજનના અભાવે ૬ દિવસમાં ૬૦થી વધુ બાળકોના મોતની ઘટનાથી દેશભરમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની હજુ શાહી સુકાઈ નથી ત્યાં અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલથી અસારવાર હોસ્પિટલમાં બાળકને શિફટ કરતાં એમ્બ્યુલન્સમાં ઓક્સિજનના અભાવે બાળકનું મોત થવાનો મામલો ગરમાતા સોલા સિવિલ હોસ્પિટલના સિનિયર ડૉક્ટરને સસ્પેન્ડ કરી તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ સમગ્ર મામલે તપાસ માટે એક કમિટીની રચના કરાઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગરના લીમડીના રહેવાસી પ્રવિણભાઈના ૧૯ મહિનાના દિકરા દર્શનને સ્વાઈન ફલૂના લક્ષણો દેખાતા તેને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો પરંતુ તેની તબિયત વધુ લથડતાં તેને અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવા માટે તા.૧૪ ઓગસ્ટે સાંજના સુમારે તજવીજ હાથ ધરાઈ હતી. ત્યારે સોલા સિવિલ હોસ્પિટલથી બાળકને ખસેડવા માટે એમ્બ્યુલન્સ મંગાવી હતી. પરંતુ એમ્બયુલન્સમાં ઓક્સિજનની વ્યવસ્થા પૂરતી છે કે, કેમ ? તેની તપાસ કરવામાં આવી નહતી. જેથી બાળક અસારવા સિવિલ પહોંચે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું. જેથી પરિવારજનોએ વિરોધ કરતાં આખરે સોલા પોલીસ સ્ટેશને ગુનો નોંધાવ્યો હતો.
આ ઘટનાને પગલે આરોગ્ય તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠયા હતા. સમગ્ર મામલે આરોગ્ય વિભાગે સોલા સિવિલના સિનિયર ડૉક્ટર મિતેશ રામાવતીને સસ્પેન્ડ કરી તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે તો સામે દર્દીના પરિવારે પણ બેદરકાર ડૉક્ટર સામે પોલીસ ફરિયાદ કરી ન્યાયની માગણી કરી છે. આરોગ્ય વિભાગે સમગ્ર મામલની તપાસ માટે કમિટીની રચના કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી હોસ્પિટલોના મુદ્દે હાઈકોર્ટમાં થયેલી એક અરજીમાં સુનાવણી ટાણે ટકોર કરી હતી કે ગુજરાતમાં તો ઓક્સિજનની સ્થિતિ ગોરખપુર જેવી નથી ને ? ત્યારે સરકારે તેના જવાબમાં હાઈકોર્ટમાં એવી દલીલ કરી હતી કે ગુજરાતમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં છે. પરંતુ સરકારના આ દાવાની પોલ સોલા સિવિલ ઘટનાએ ખોલી દીધી છે.