અમદાવાદ,તા. ૧૪
ગોરખપુરની સરકારી હોસ્પિટલમાં ઓકિસજન પૂરવઠાના અભાવે ૬૩ બાળકોના મોતની ભયાનક ઘટના જેવી ઘટના ગુજરાતમાં પણ ના ઘટે તે માટે રાજયની તમામ સરકારી હોસ્પિટલમાં ઓકિસજનને પૂરતો પૂરવઠો અને જથ્થો તૈયાર રાખવા ગુજરાત હાઇકોર્ટે રાજય સરકારને મહત્વનો નિર્દેશ કર્યો છે. ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડના રાજયની સરકારી હોસ્પિટલ્સ તેમ જ હેલ્થ સેન્ટરમાં ઓકિસજન સપ્લાય માટેના ટેન્ડરના વિવાદ મામલાની સુનાવણી દરમ્યાન ગુજરાત હાઇકોર્ટે રાજય સરકાર અને સંબંધિત સત્તાવાળાઓને આ મહત્વની ટકોર કરી હતી. હાઇકોર્ટે સત્તાધીશોને એવી ગંભીર ટકોર પણ કરી હતી કે, સરકારી હોસ્પિટલો અને હેલ્થ સેન્ટરમાં ઓકિસજન તો લોકોને પૂરતી માત્રામાં મળે છે ને. હોસ્પિટલોમાં ઓકિસજનનો પૂરતો જથ્થો તો ઉપલબ્ધ છે ને. ટેન્ડરના વિવાદમાં ઓકિસજનના અભાવે લોકોનો જીવ જોખમમાં ના મૂકાય તે જોજો, તેનું ધ્યાન રાખજો. કયાંય ગોરખપુર જેવી કરૂણ ઘટના ગુજરાતમાં ના બને તેની ખાસ તકેદારી રાખજો. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, ટેન્ડર વિવાદના આ કેસની બાબત તો બરોબર છે પરંતુ ગોરખપુર જેવી ઘટના આપણા ગુજરાતમાં ના સર્જાય તેની ગંભીરતા રાખજો. ઉલ્લેખનીય છે કે, ટેન્ડર વિવાદની મેટરમાં ઓક્સિજન સપ્લાયની વાતને લઇ ગુજરાત હાઇકોર્ટ પણ ગંભીર જણાઇ હતી. હાઇકોર્ટે ગોરખપુરની સરકારી હોસ્પિટલમાં ઓકિસજનના અભાવે એકસાથે ૬૩ બાળકોના કરૂણ મોતની ઘટનાની ગંભીર નોંધ લીધી હતી અને તેના જેવી કરૂણાંતિકા ગુજરાતમાં ના સર્જાય તે માટેની ચિંતા વ્યકત કરી હતી અને આ માટે સરકાર અને તંત્રને ઉપરોકત નિર્દેશ કર્યા હતા. હાઇકોર્ટે સમગ્ર કેસની વધુ સુનાવણી તા.૨૩મી ઓગસ્ટ પર મુકરર કરી હતી.