સરકારની બેદરકારીના કારણે તુઘલકી યુગની મસ્જિદ વસાહતમાં ફેરવાઈ

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
નવી દિલ્હીના કાલુ સરાઈ વિસ્તારમાં આવેલ વિજય મંડળથી માત્ર પ૦૦ મીટર દૂર આવેલી ગલીઓમાં એક ઐતિહાસિક રત્ન સ્થાપિત છે જે સમય સાથે ભુલાઈ ગયું છે. એ માનવું લગભગ અશક્ય છે કે એક સમયે કાલુ સરાઈ મસ્જિદનો સમાવેશ જોવાલાયક સ્થળોમાં થતો હતો. આજે સરકારની ઉદાસીનતાને કારણે આ માળખું બિસ્માર હાલતમાં છે. સરકારની ઉદાસીનતા કરતા વધુ મુશ્કેલી મસ્જીદ પરિસરમાં સ્થાયી થઈ ગયેલા લોકોએ ઊભી કરી છે. દાયકાઓથી જુદા જુદા પ્રદેશના લોકો અહીં સ્થાયી થયા છે જેમાં રાજસ્થાન અને પંજાબના લોકોનો પણ સમાવેશ થાય છે. આ વસાહતીઓ દ્વારા ફરી ક્યારેય પુનઃસ્થાપિત ન કરી શકાય તેવું નુકસાન કરાયું છે. તેમણે મસ્જિદની દીવાલોને રહેઠાણના હેતુથી તોડી પાડી છે. તદુપરાંત તેઓ તપાસણીના એતુથી કોઈને પરિસરમાં દાખલ થવા દેતા નથી. સૂત્રોના જણાવ્યા મુજબ રહેવાસીઓએ મુલાકાતીઓને દૂર રાખવાના હેતુથી કૂતરા પાળ્યા છે. જ્યારે એક સમાચાર પત્રની ટીમ મુલાકાત કરવા ગઈ તો સ્થાનીય મહિલાએ તેમને બહાર નીકળી જવાનો આદેશ આપતા તેના કૂતરાને સંકેત આપ્યો અને તે તરત જ ભોંકવા માંડ્યું. બે વર્ષ પહેલા જ્યારે જમિઅત ઉલમા-એ-હિન્દના સભ્યો દિલ્હીની બંધ થઈ ગયેલી મસ્જિદોને પુનઃ શરૂ કરવાના કાર્યક્રમ હેઠળ કાલુ સરાઈ મસ્જિદની મુલાકાતે ગયા ત્યારે તેમના પર પણ કૂતરાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જમિઅત ઉલમા-એ-હિન્દના સભ્યોને જણાવવામાં આવ્યું હતું કે ભૂતપૂર્વ સાંસદ સભ્ય દ્વારા મસ્જિદના પ્રાંગણનો ઉપયોગ તેમના ઘરના બાંધકામ માટે થયો છે. આ પ્રતિનિધિ મંડળની મુલાકાત એક વ્યક્તિ સાથે થઈ હતી જેણે જણાવ્યું કે તે પોતાનો ફર્નિચરનો વ્યવસાય મસ્જિદની અંદર સંચાલિત કરે છે પરંતુ તેણે પણ જમિઅત ઉલમા-એ-હિન્દના સભ્યોને અંદર લઈ જવાની ચોખ્ખી ના પાડી દીધી. મોહમ્મદ અસલમ નામના સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે ભાગલા બાદ ઘણાં પરિવારો અહીં આવ્યા. તેમના દાદા જે પહેલાંથી અહીં વસવાટ કરતા હતા તેમણે એક મુસ્લિમ પરિવારને અહીં જગ્યા આપી. આ પરિવાર એક માત્ર મુસ્લિમ પરિવાર છે જે અહીં વસવાટ કરી રહ્યો છે. સભ્ય પસાર થતાં અન્ય લોકોએ મસ્જિદને રહેણાંક સંકુલ બનાવી દીધી. અસલમે વધુ ઉમેરતા કહ્યું કે મસ્જિદની આસપાસ ઘણાં બાવળના વૃક્ષ હતા જેને લોકોએ વસાહત બનાવવા કાપી નાખ્યા. તુઘલકી સ્થાપત્ય શૈલીમાં બનેલી આ મસ્જિદનું બાંધકામ ખાન-એ-જહાં જુનાન શાહ દ્વારા કરાવવામાં આવ્યું હતું જે ફિરોઝ શાહ તુઘલકના વડાપ્રધાન હતા. આ મસ્જિદનું બાંધકામ મોહંમદ બિન તુઘલકના નવા શહેર ‘જહાંપનાહ’માં બંધાયેલ અન્ય કેટલાક સ્થાપત્યો સાથે થયું હતું. આ સ્થાપત્યો ઈ.સ.૧૩ર૬-ર૭ની સાલમાં બંધાયા હતા. પથ્થર અને શિલાઓનું બનેલું આ માળખું સાત તોરણકાર પ્રવેશદ્વારા ધરાવે છે અને નીચા ગુંબજોની હાર તેની સુંદરતામાં વધારો કરે છે. જુનાન શાહ દ્વારા બનાવાયેલી સાત સરખી મસ્જિદોમાંની એક મસ્જિદ આ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks