અમદાવાદ, તા.ર૪
ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાના ઘરે ટ્રાફિક વિભાગ દ્વારા ઈ-મેમો મોકલવામાં આવે છે. આ રીતે ટ્રાફિકના નિયમોના ભંગ થતાં ૩ ઈ-મેમો સરખેજમાં રહેતા એક વાહનચાલકના ઘરે આવ્યો તો ખરો પરંતુ આ ઈ-મેમો ચાર વ્યક્તિઓ વચ્ચે અટવાયેલો છે કે મેમો ભરશે કોણ? કેમ કે જેના નામે ઈ-મેમો આવ્યો છે તે વાહનના મૂળ માલિકે તો વાહન વેચી દીધાને ઘણા વર્ષો થઈ ગયા છે અને તે વાહનમાં નામ ટ્રાન્સફર કરાવ્યું ના હોવાના લીધે ઈ-મેમો તેમના ઘરે આવ્યો છે. જો કે અત્યારે વાહન કોની પાસે છે તે તેમને પણ ખબર નથી. એટલે તેને શોધવાની કવાયત શરૂ કરવામાં આવી છે અને હવે આ ઈ-મેમો ભરે કોણ?? એટલે કરે કોણ અને ભરે કોણ જેવો ઘાટ સર્જાયો છે. ઈ-મેમોના ગૂંચવાડાની સમગ્ર ઘટના એવી છે કે શહેરના સરખેજમાં રહેતા રાજેશકુમાર બાબુલાલ નાયકે ર૦૦પમાં એક્ટિવા ખરીદયું હતું. બે વર્ષ બાદ તેમણે આ એક્ટિવા તેમના જ વિસ્તારમાં રહેતા યાસીનભાઈ મનસુરીને વેચી દીધું હતું. જો કે ઘર જેવા સંબંધ હોવાથી તેમણે વાહનમાં નામ ટ્રાન્સફર કરાવ્યું ન હતું ત્યારબાદ બે વર્ષ સુધી યાસીનભાઈએ આ એક્ટિવા વાપર્યું અને તેમના પિતરાઈ ભાઈ ઝાકીર મનસુરીને વેચી દીધું હતું. જો કે ઝાકીરભાઈને એક્ટિવાના મૂળ માલિક રાજેશકુમાર પણ ઓળખતા હતા. થોડા સમય બાદ ઝાકીરભાઈએ પણ એક્ટિવા તેમના મિત્રને ધોળકામાં વેચી દીધું હતું અને તે મિત્રએ પણ આ એક્ટિવા અન્ય શખ્સને વેચી દીધું હતું. જેને તેઓ પોતે પણ ઓળખતા ન હતા. હવે જે વ્યક્તિ પાસે આ એક્ટિવા છે તે અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરી સરેઆમ ફરી રહ્યો છે. પરંતુ તે એક્ટિવાના રજિસ્ટ્રેશનમાં નામ બદલી કરાયેલ ન હોવાથી એક્ટિવાના ઈ-મેમો મૂળ માલિક રાજેશકુમારના ઘરે આવી રહ્યા છે. આ અંગે યાસીનભાઈ મનસુરીએ જણાવ્યું હતું કે જીજે ૦૧ ઈજે ૦ર૪ર નંબરની એક્ટિવાના મૂળ માલિક રાજેશકુમાર સાથે મારે ઘર જેવા સંબંધ છે. એટલે રાજેશકુમારે તેમની એક્ટિવા નામ ટ્રાન્સફર કર્યા વિના જ મને વેચી દીધી હતી. ત્યારબાદ મે મારા ભાઈ ઉપર વિશ્વાસ રાખીને તેને વેચી દીધી હતી અને તેની પાસેથી તેના મિત્ર અને તેના મિત્ર પાસેથી અન્ય કોઈ વ્યક્તિ પાસે આ એક્ટિવા વેચાતી રહી છે. જો કે આ એક્ટિવાનો હાલનો માલિક કોણ છે તેની અમને કોઈને ખબર નથી. પરંતુ જ્યારે ઈ-મેમો રાજેશકુમારને ત્યાં આવ્યા ત્યારે ખબર પડી કે એક્ટિવા અમદાવાદમાં ટ્રાફિકના નિયમો ભંગ કરીને ફરી રહી છે. અત્યારસુધીમાં ૩ ઈ-મેમો આવી ગયા છે. આ ત્રણેય ઈ-મેમો રાજેશકુમાર મને આપી ગયા છે. આ ઈ-મેમો અમારા ચાર વચ્ચે કોઈ ભરવા તૈયાર નથી. પહેલો ઈ-મેમો તો મેં ભરી દીધો. પરંતુ બાકીના ઈ-મેમોનું શું ? જો કે મેમો ભરી તો દઈએ પરંતુ કંઈક અજૂગતું થાય તો આ વાહનના માલિક રાજેશકુમાર ફસાઈ શકે તેમ છે. એટલે અમે હાલ તો આ એક્ટિવા અને તેના માલિકને શોધી રહ્યા છીએ. એમ યાસીનભાઈ મનસુરીએ જણાવ્યું હતું.