પટના,તા.૨૯
લોકસભાની ચૂંટણી પહેલા જ લાલુ પરિવારમાં બળવો થઈ ગયો છે. પોતાના પરિવાર અને પાર્ટી આરજેડીથી નારાજ લાલુ પુત્ર તેજપ્રતાપ યાદવે બિહારની સારણ બેઠક પરથી પોતાના જ સસરા ચંદ્રિકા રાય સામે અપક્ષ ચૂંટણી લડવા માટે તૈયારી શરુ કરી છે. આરજેડીએ ચંદ્રિકા રાયને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.તેજપ્રતાપના ભાઈ તેજસ્વી યાદવે ઉમેદવારોના નામની જાહેરાત કરી અને સારણ બેઠક પર ચંદ્રિકા રાયનુ નામ જાહેર કર્યુ તે સાથે જ અહેવાલો વહેતા થયા હતા કે તેજ પ્રતાપ આ નિર્ણયથી નારાજ છે અને તેઓ આ જ બેઠક પરથી અપક્ષ લડશે.જોકે હજી સુધી તેજપ્રતાપ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યુ નથી. ગુરુવારે તેજ પ્રતાપ યાદવ શિવહર અને જહાનાબાદ બેઠક પરથી પોતાના ઉમેદવારોને ટિકિટ આપવા પર અડ્યા હતા.તેઓ પાર્ટી પર દબાણ લાવવા પત્રકાર પરિષદ કરવાના હતા પણ લાલુએ અણીના સમયે દરમિયાનગીરી કરીને તેજપ્રતાપને સમજાવી લીધા હતા.જોકે એ પછી પણ તેજપ્રતાપે આરજેડીના સંરક્ષકના હોદ્દા પરથી રાજીનામુ આપી દીધુ હતુ.