અમદાવાદ,તા.ર૭
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ગઈકાલે એક ગરીબો માટેના આવાસનું એક બ્લોક તૂટી પડતા એક વ્યકિતએ જીવ ગુમાવ્યો છે અને ૪થી વધુ ઘાયલ થયા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ રૂબરૂ મુલાકાત લેતા જણાવ્યું હતું કે ઓઢવ ખાતે ગરીબો માટેના ૮૪ બ્લોકોમાં ૧૩૪૪ જેટલા ઘરો છે. રૂબરૂ મુલાકાત દરમ્યાન મોટા ભાગના બ્લોકો અને ઘરોની હાલત ગમે ત્યારે ધસી પડે તેવી છે. સ્થાનિક નાગરિકોએ વિવિધ્ બ્લોકોની જર્જરિત હાલત માટે વારંવાર તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી પણ કોર્પોરેશનના સત્તાધીશોએ ગરીબ નાગરિકોની વેદનાને ગંભીરતાથી કાને ધરી ન હતી. શુક્રવારે રાત્રે દીવાલ પડતા સ્થાનિક નાગરિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા કોર્પોરેશનના સત્તાધીશોએ બીજા દિવસે જવાબદારીમાંથી છટકવા માત્ર નોટિસ આપી હતી. આવાસોના બાંધકામમાં પ્રથમદર્શીય ગેરરીતિ, ભ્રષ્ટાચાર જોવા મળે છે. ઠેર ઠેર ગંદકી અને ઉભરાતી ગટરો વચ્ચે સતત ભયથી ગરીબ પરિવારો જીવી રહ્યા છે. ઓઢવના આવાસોની દુર્ઘટનાની જાત તપાસ બાદ પત્રકારો સાથે વાતચીત કરતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગરીબો માટેના આવાસોની હાલત ઘણી જ જર્જરિત છે. સ્ટેબીલીટી રિપોર્ટ સર્વે કરવો જરૂરી છે. હાલમાં રહેતા ગરીબ પરિવારોને વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા આપવી જોઈએ. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી દિપક બાબરિયાએ જણાવ્યું હતું કે ઓઢવના આવાસોની દુર્ઘટના દુઃખદની સાથેસાથ ગંભીર પણ છે. ગરીબોના આવાસમાં છત આશરો આપવાને બદલે ભ્રષ્ટાચારી તત્વોને લીધે મોતના ખાડા બની રહ્યા છે. મુખ્યમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના અને ગરીબો માટેના આવાસ યોજનામાં હાલમાં ગરીબો માટેના સાત માળ વાળી યોજના જયાં બાંધકામ ચાલુ હોય તે અટકાવીને ચાર માળ (ગ્રાઉન્ડ ફલોર-ત્રણ માળ) વાળી બનાવવી જોઈએ. હાલમાં જે હાઉસીંગ -ઈડબલ્યુએસ- મુખ્યમંત્રી આવાસ યોજના સહિતના બાંધકામમાં પૂર્વ પણે સોઈલ ટેસ્ટીંગ મટીરીયલ્સ ટેસ્ટીંગ અને અન્ય બાંધકામના નિયમોના પાલન અંગે ચકાસણી કરવામાં આવે. કોંગ્રેસના પ્રતિનિધિ મંડળમાં કોંગ્રેસ પક્ષના પ્રવકતા ડઢો. મનીષ દોશી, ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ, ઈમરાનભાઈ ખેડાવાલા, મ્યુ.કોર્પોરેશનના કોંગ્રેસ નેતા દિનેશ શર્મા, શહેર પ્રમુખ શશીકાંત પટેલ, પ્રદેશ મંત્રી લાખાભાઈ રબરી સહિત કાર્યકર- આગેવાનો જોડાયા હતા.
……ડહાપણ ? : શહેરના તમામ ભયજનક મકાનોનો સર્વે કરાશે
ઓઢવ ખાતેના ગરીબ આવાસ યોજનાના કુલ ૭૦ બ્લોક પૈકી બે બ્લોક ગઇ કાલે સાંજે પત્તાનાં મહેલની જેમ ધરાશાયી થવાની ઘટના બાદ મ્યુનિ. શાસકોએ શહેરના ભયજનક મકાનોનો સર્વે કરાવવાની જાહેરાત કરી છે. મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા દર વર્ષે રથયાત્રા અગાઉ પરંપરાગત રીતે રથયાત્રા રૂટનાં મકાનોનો સર્વ કરાય છે. આ રૂટ પરનાં ર૦૦થી રપ૦ મકાનને ભયજનક તરીકે અલગ તારવીને પછી તંત્ર દ્વારા જે તે મકાનના કબજેદારને નોટિસ આપ્યા બાદ સિફતપૂર્વક સમગ્ર બાબતને ભૂલાવી દેવાય છે પરંતુ ઓઢવની દુર્ઘટનાને પગલે હવે રહી રહીને શાસકોનું ભયજનક મકાનોની ગંભીરતા પ્રત્યે ધ્યાન દોરાયું છે.આ અંગે મેયર બીજલબહેન પટેલ કહે છે ઓઢવની દુર્ઘટના બાદ તંત્રને અન્ય ભયજનક મકાનોનો તાકીદે સર્વે કરાવીને તેને લગતો વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવાની સૂચના અપાઇ છે. તંત્રના રિપોર્ટના આધારે તત્કાળ ભયજનક મકાનોને ખાલી કરાવાશે. જેનાથી ભવિષ્યમાં આવી કોઇ દુર્ઘટના સમયે કોઇ જાનમાલ હાનિથી નાગરિકોને બચાવી શકાશે.
ભાજપ-બિલ્ડરોની સાંઠગાઠથી ગરીબોને નુકસાન : મેવાણી
ઓઢવ ચાર રસ્તા પાસે ગુરૂદ્વારા નજીક જીવનજ્યોત સોસાયટી પાસે આવેલા ઇન્દિરા આવાસ યોજનાના વર્ષો જુના મકાનોનો ત્રણ માળ ધરાવતો એક બ્લોક અચાનક કડાકા સાથે ધરાશયી થયો હતો. જેમા ૧૦થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા હતા. આ ઘટના પર દલિત નેતા અને ગુજરાતના વડગામથી અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ભાજપ પર આક્ષેપો કરતા નિશાન સાધ્યું હતું કે, ભાજપ અને બિલ્ડરોની સાંઠગાંઠથી ગરીબોને નુકસાન થઇ રહ્યું છે આ બિલ્ડિંગ ધરાશયી થવી અને લોકોનું મરવું તેનો જીવતો જાગતો પુરાવો છે.