(એજન્સી) રિયાધ,તા.૧૮
સઉદી અરબે એક ગ્રાફિક દૃશ્યોની મદદથી તૈયાર કરેલ એક વીડિયો જાહેર કર્યો છે. તેમાં સઉદીનું એક લડાકુ વિમાન કતારના એક નાગરિક વિમાન પર મિસાઇલ હુમલો કરતું દેખાઇ રહ્યું છે. ગલ્ફ દેશો વચ્ચે સક્રિય તંગદિલીને વધુ ગંભીર બનાવતા સઉદીએ કતારને ચેતવણી આપવા માટે આ વીડિયો જાહેર કર્યો છે. આ એનિમેટેડ વીડિયોમાં પાછળથી આવતો અવાજ ધમકીભર્યા અંદાજમાં કહે છે કે જો કોઇ અન્ય દેશનું વિમાન તેના હવાઇ ક્ષેત્રથી પસાર થશે તો તેને આ વિમાનને નિશાન બનાવવાનો સંપૂર્ણ અધિકાર છે. ર મિનિટના આ વીડિયોને સઉદીના અલ અરેબિયા ન્યૂઝ નેટવર્ક પર પ્રકાશિત કરાયો હતો. તેમાં રશિયા દ્વારા નિર્મિત એસયુ-૩૦ ફ્લેન્કર કતાર એરવેઝના એરબસ એ૩ર૦ને નિશાન બનાવતો નજરે ચઢી રહ્યો છે. અમુક અઠવાડિયા અગાઉ સઉદી, સંયુક્ત અરબ અમીરાત (યુએઇ), બહેરીન અને ઇજિપ્તે કતાર સાથે તેમના રાજકીય અને કૂટનીતિક સંબંધોનો અંત લાવી દીધો હતો. આ દેશોએ કતાર પર આતંકવાદને ટેકો આપવાનો આરોપ લગાવતાં તમામ પ્રકારના સંબંધોનો અંત આણ્યો હતો. હવે સઉદી દ્વારા આ વીડિયો જાહેર કરાયા બાદ તેનો કતાર સાથે સર્જાયેલ તણાવ વધુ તંગ થતો દેખાઇ રહ્યો છે. જાણકારો કહે છે કે કતાર એરવેઝના નાગરિક વિમાન પર હુમલો કરવાની ચેતવણી બતાવી સઉદીએ સ્પષ્ટ શબ્દોમાં દોહાને ધમકી આપી છે. તેનો એક ઉદ્દેશ્ય લોકોને ડરાવવાનો પણ છે જેથી તે કતાર એરવેઝમાં યાત્રા ન કરે. હવાઇ યાત્રા સંબંધિત વિશેષજ્ઞોએ સઉદીના આ વીડિયોને સનસનાટી મચાવતો ગણાવી કહ્યું કે કતારના વિમાનને સઉદી અરબના હવાઇ ક્ષેત્રમાંથી પસાર થવાનો સંપૂર્ણ અધિકાર છે. વિશેષજ્ઞોએ સઉદી ચેનલ દ્વારા આ પ્રકારના ભડકાઉ વીડિયો પ્રસારણ કરતા બેજવાબદાર વલણ ગણાવ્યું છે. આ વીડિયો એવા સમયે આવ્યો છે જ્યારે સઉદી અરબે વાર્ષિક હજ યાત્રામાં કતારના નાગરિકોના આગમન માટે પોતાની સરહદો ખુલ્લી મૂકી છે. સઉદીના આ પગલાંથી આશા જાગી છે કે આવનારા સમયમાં કદાચ આ વિવાદનો અંત આવી શકે છે.