(એજન્સી) તા.૧૦
તાજેતરમાં સઉદી અરબમાં રાજકુમાર મોહમ્મદ બિન સલમાન દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન છંછેડવામાં આવ્યો છે. જે હેઠળ ૧૧ જેટલા રાજકુમારો, ચાર મંત્રીઓ, ડઝનેક પૂર્વ મંત્રીઓ અને બિલિયોનેરની અટકાયત કરવામાં આવી હતી. જોકે હાલમાં સઉદીની પ્રથમ રાજકુમારીની પણ ધરપકડના સમાચાર મળ્યાં છે. જોકે ટીકાકારો આ મામલે કહે છે કે ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન ચલાવીને રાજકુમાર મોહમ્મદ બિન સલમાન શક્તિશાળી બનવા માગે છે અને તેમના હરીફો તથા વિરોધીઓને ઠેકાણે પાડવા માગે છે. જોકે આ આંતરિક ડ્રામા પૂરતો નથી. સઉદી અરબનો ઇરાન સાથેનો ક્ષેત્રીય વિવાદ પણ સતત વકરી રહ્યો છે. જેના કારણે ઓઇલના ભાવ વધી રહ્યાં છે અને શેરબજારમાં પણ ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. આ એક પ્રકારે પ્રોક્સી યુદ્ધ થઈ ગયું છે. નીચે કેટલીક ઘટનાઓ આપવામાં આવી છે જે છેલ્લા પાંચ દિવસમાં જોવા મળી છે.
• સઉદી અરબથી લેબેનોનના વડાપ્રધાન સાદ અલ હરીરીએ ઓચિંતું ટેલિવિઝન પર રાજીનામું આપી દીધું. તેમણે કહ્યું કે ઇરાન દેશમાં અસ્થિરતા લાવવા માગે છે અને તેમના જીવને ખતરો છે.
• કલાક બાદ હૌથી વિદ્રોહીઓએ સઉદી નેતૃત્વ સામે યુદ્ધ જાહેર કર્યું અને રિયાધના કિંગ ખાલેદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બેલેસ્ટિક મિસાઇલ હુમલો કર્યો, જોકે સઉદીની એર ડિફેન્સ સિસ્ટમે આ મિસાઇલ ધ્વસ્ત કરી નાખી.
• જોકે મધ્ય રાત્રિ અગાઉ સઉદી સરકારે ૧૧ રાજકુમારોની, ચાર મંત્રીઓની અને ડઝનેક પૂર્વ મંત્રીઓ સહિત બિલિયોનેયરની ધરપકડ કરી. જોકે આ ધરપકડ સઉદીના રાજકુમાર મોહમ્મદ બિન સલમાનના વડપણ હેઠળ ચલાવાયેલા ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન હેઠળ કરવામાં આવી.
• લેબેનોનના ઇરાની પીઠબળવાળા હિઝબુલ્લાહ સંગઠનના વડા હસન નસરલ્લાહે કહ્યું- હારિરિના એકાએક રાજીનામા પાછળ સઉદી અરબનો હાથ છે. ઇરાને હૌથીઓ દ્વારા મિસાઇલ હુમલો કરાયાનો ઇનકાર કરી દીધો.
• ઇરાન અને સઉદી વચ્ચેના સંઘર્ષ વચ્ચે લેબેનોન બેટલગ્રાઉન્ડ બન્યું
• સઉદીની સેન્ટ્રલ બેન્કે બેન્કોને શંકાસ્પદ બેન્કખાતા સીલ કરવાનો આદેશ આપ્યો.
• એટોર્ની જનરલ શેખ સઉદી અલ મોજતેબે કહ્યું કે ધરપકડ કરાયેલા સામે કાર્યવાહી હાથ ધરાશે અને લિગલ કાઉન્સિલ દ્વારા તેમની સામે સુનાવણી કરાવાશે.
• સઉદી અરબે હૌથી મિસાઇલ હુમલાને ઇરાન દ્વારા યુદ્ધ પ્રવૃત્તિ ગણી.
• સઉદી અરબે લેબેનોન સરકારને હિઝબુલ્લાહની તરફેણ કરવા બદલ ચેતવણી આપી.
• બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં ૩.પ ટકાનો વધારો થયો અને બેરલનો ભાવ ૬૪.ર૭ ડોલર પ્રતિબેરલ થઇ ગયો.
• સઉદીએ ૧૭૦૦ જેટલા ંબેન્કખાતા સીઝ કર્યા.
• ટ્રમ્પે ટિ્વટમાં કહ્યું કે સઉદી અરબના રાજા સલમાન અને રાજકુમાર સલમાન એવું જ કરી રહ્યાં છે જેવું તે ઇચ્છતા હતા. મને તેમનામાં પૂરો વિશ્વાસ છે.
• પ્રિન્સ અલવલીદના શેરમાં ૧૦ ટકાનો ઘટાડો થયો અને ૩ દિવસમાં ર૦ ટકાનું નુકસાન.
• સેન્ટ્રલ બેન્કે કહ્યું ફક્ત પર્સનલ એકાઉન્ટ સીઝ થયા છે, કોર્પોરેટ નહીં
• ઇરાને સઉદી અરબના આરોપો પાયાવિહોણા ગણાવ્યા.
• અમેરિકાએ સઉદી અરબના નિવેદનને આવકાર્યો જેમાં કહેવાયું હતું કે ઇરાન હૌથી વિદ્રોહીઓને ટેકો આપે છે. તેમને ગેરકાયદેસર હથિયારો અને બેલેસ્ટિક મિસાઇલ પૂરી પાડે છે.