અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી બનાવેલા, અમદાવાદ શહેરના રોડ ચોમાસામાં ધોવાઈ જતા સમગ્ર માર્ગો પર ખાડા પડી ગયા હતા અને આ માર્ગો પરની યાત્રા લોકો માટે ત્રાસદાયી બની હતી પણ તંત્ર દ્વારા આ માર્ગો પર રિપેરિંગ શુદ્ધાં પણ કરવામાં આવ્યું ન હતું જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્જો અબેની અમદાવાદની યાત્રા દરમિયાન યોજાયેલ રોડ શો અને મુલાકાતના સ્થળોએ જવાના તમામ માર્ગોને રાતો રાત રિપેર કરી નવા-નક્કોર બનાવી દેવામાં આવ્યા હતા. કયાંય ખાડો દેખાતો ન હતો ત્યારે ખરેખર વિકાસ ગાંડો થયો છે તે ટીખળ આ પ્રસંગ પર બરાબર બંધ બેસતી હોય તેવું લાગી રહ્યું છે કેમ કે, ‘સૌનો સાથ અને સૌનો વિકાસ’ એવું સૂત્ર આપનાર ભાજપ સરકારના આ વિકાસમાં અમદાવાદના રસ્તાઓ જાણે બે વિભાગમાં વહેંચાઈ ગયા હોય તેવું ભાસી રહ્યું હતું. એક ખાડા પડેલા તૂટેલા રોડ-રસ્તા કે જ્યાંથી પ્રજા પસાર થાય છે અને બીજા ચમકદાર લીસા રોડ-રસ્તા કે જ્યાંથી રાજાની સવારી પસાર થઈ હતી. જો આ જ વિકાસ છે તો ખરેખર વિકાસ ગાંડો થયો છે !!!