(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૩
અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભરૂચ સહિત રાજયભરના વિવિધ વિસ્તારો અને પંથકોમાં આજે હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. જો કે, દક્ષિમ પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા ગુજરાત પર અપરએર સાયકલોનીક સરકયુલેશન સીસ્ટમ સક્રિય થઇ છે, જે ગુજરાત તરફ આગળ વધી રહી છે. આ જ પ્રકારે ઉત્તરપ્રદેશ ઉપર લોપ્રેશર સીસ્ટમ સર્જાઇ છે. સીસ્ટમ મધ્યપ્રદેશ થઇ ગુજરાત તરફ આગળ વધી રહી છે. બંને સીસ્ટમ ગુજરાત પર સક્રિય થશે તો, રાજયમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શકયતા છે. હવામાન ખાતાની આગાહી દરમ્યાન હવે આગામી બે દિવસ દરમ્યાન રાજયના ઘણા ખરા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે, આગામી બે દિવસ દરમ્યાન સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ અને દમણ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાવાની પૂરી શકયતા છે. મેઘરાજાના બીજા રાઉન્ડમાં ઘણો સારો વરસાદ નોંધાવાની શકયતાઓ હવામાન ખાતાએ વ્યકત કરી છે. બીજીબાજુ, આજે અમદાવાદ સહિત રાજયના વિવિધ શહેરો અને પંથકોમાં હળવાથી ભારે વરસાદ અને ઝરમર વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા હતા. વડોદરા, વાઘોડિયા સહિતના પંથકોમાં આજે સારો એવો વરસાદ નોંધાયો હતો, તો રાજકોટ, મોરબીના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા નોંધાયા હતા. ભરૂચ-જંબુસર સહિતના પંથકોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડયા હતા, જેના કારણે બેથી ચાર ફુટ સુધી પાણી ભરાઇ ગયા હતા. લોકોએ વરસાદી માહોલની મોજ માણી હતી. ઉત્તર ગુજરાતના પંથકોમાં પણ આજે વરસાદી ઝાપટાથી લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી.