સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘાની ધમાકેદાર બેટિંગ

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર૦
રાજ્યમાં ર૧મીથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી અગાઉ જ સૌરાષ્ટ્ર-કચ્છ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસતા ચોતરફ પાણી જ પાણી ભરાઈ ગયા હતા. છેલ્લા ર૪ કલાક દરમિયાન સુરત જિલ્લાના માંગરોળમાં સાત ઈંચથી વધુ જૂનાગઢમાં બે કલાકમાં ૬ ઈંચથી વધુ તો સુરતના ડોળવણ, ઉમરગામ તથા સૌરાષ્ટ્રના જેતપુર બગસરા સહિતના વિસ્તારોમાં ચાર ઈંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ બેથી ચાર ઈંચ જેટલો વરસાદ તૂટી પડતાં નિચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા હતા.
રાજયમાં અમદાવાદ, ગાંધીનગર સહિતના કેટલાક વિસ્તારોમાં બે થી આઠ ઇંચ જેટલો ભારે થી અતિ ભારે વરસાદ નોંધાયો હતો.જૂનાગઢમાં બે કલાકમાં છ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકાર થઇ ગયું હતું. ગીરનારમાં સૌથી વધુ તોફાની વરસાદ નોધાયો હતો. આજે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી વલસાડ, ઉમરગામ, ડાંગ-આહવા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ સારી એવી મહેર કરી હતી કે જયાં કેટલાક વિસ્તારોમાં આઠ ઇંચ સુધીનો અતિભારે વરસાદ ખાબકયો હતો. તો, કચ્છના ભુજ, અબડાસા, નખત્રાણા સહિતના પંથકોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો. સાથે સાથે સૌરાષ્ટ્રમાં અમરેલી સહિતના પંથકો તો, જૂનાગઢના ગીરનાર સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ જોરદાર રીતે ધમાકેદાર બેટીંગ કરી હતી. ગણતરીના કલાકોમાં મેઘરાજાએ આ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જી કાઢી હતી. ઠેર-ઠેર પાણી જ પાણી નજરે પડતું હતું. પૂર્વ-મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ જાણે ખમૈયા કર્યા હતા. અહીંના વિસ્તારોમાં સમ ખાવા પૂરતો સામાન્ય હળવો વરસાદ આજે નોંધાયો હતો. રાજયમાં આજે સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકના વિસ્તારોમાં નોંધાયો હતો. આ ક્ષેત્રના વિસ્તારોમાં બે ઇંચથી લઇ આઠ ઇંચ સુધીનો અતિ ભારે વરસાદ નોંધાતા સર્વત્ર જળબંબાકાર સર્જાઇ ગયો હતો. દક્ષિણ ગુજરાતના સુરતના માંગરોળમાં આઠ ઇંચ, ઉમરપાડામાં બે ઇંચ, તાપીના ડોલવણમાં ચાર ઇંચ તો વ્યારામાં ત્રણ ઇંચ આમ સમગ્ર પંથકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડયો હતો. વલસાડમાં પણ ત્રણથી પાંચ ઇંચ સુધીનો વરસાદ નોંધાતા મોટાભાગના તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. ઉત્તર ગુજરાતના મહેસાણા સહિતના વિસ્તારોમાં, બનાસકાંઠાના પાંથાવાડા પંથકમાં એક કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી થઇ ગયુ હતું. તો, વડગામ સહિતના તાલુકાઓમાં ભારે વરસાદી ઝાપટા પડયા હતા. સાબરકાંઠાના વડાલી, ખેડબ્રહ્મા, ગાંધીનગર, દહેગામ સહિતના તાલુકાઓમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં બેથી અઢી ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. પૂર્વ મધ્ય ગુજરાતમાં દાહોદ પંથકમાં જ અડધા ઇંચની આસપાસ હળવો વરસાદ પડતાં રોડ રસ્તાઓ ભીના થયા હતા. બીજીબાજુ, સૌરાષ્ટ્ર પંથકમાં જામનગરના જોડિયા, મોરબીના વાંકાનેર, દેવભૂમિ દ્વારકા, રાજકોટના વીંછીયા, સુરેન્દ્રનગર, રાજકોટના ધોરાજી સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. આ વિસ્તારોના નદી-નાળાઓ પણ વરસાદી નવા નીરની આવકને પગલે જળસંપતિથી સમૃધ્ધ બન્યા હતા. દેવભૂમિ દ્વારકામાં એકથી છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને દ્વારકામાં ૧૭૧મીમી એટલે કે સાત ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જામનગર જિલ્લાના સમાણામાં ૧૪૦ મીમી, ધુનડામાં ૧૦પ મીમી તો શેઠવડાળામાં ૯પ મીમી વરસાદ નોંધાયો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks