અમદાવાદ, તા.૨૮
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કુલ ૫૩ છાત્રોને પ્રતિક રૂપ ટેબ્લેટ વિતરણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત છાત્રોને ઉત્સાહનો પાનો ચઢાવતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા માત્ર રૂપિયા એક હજારના ટોકન દરે ઉપલબ્ધ કરાવાયેલા ટેબ્લેટથી જ્ઞાન પ્રાપ્તિ કરવા અને વિશ્વ વિદ્યાર્થી બનવા ગુજરાતના યુવાનોએ આગળ આવવું જોઈએ. રાષ્ટ્રની વસતિમાં સૌથી વધુ યુવાનો છે. ત્યારે યુવાનો માટે અમલમાં મુકાયેલી આ ટેબ્લેટ યોજના રાજયના છાત્રો માટે આશીર્વારૂપ બની રહેશે, તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. છેલ્લા પંદર વર્ષના ગાળામાં રાજ્ય સરકારે સ્થાપેલી વધારાની ૪૬ યુનિવર્સિટી તથા સંખ્યાબંધ કોલેજો આજના જ્ઞાનના સમયમાં એકદમ સમયોચિત ગણાવતા મુખ્યમંત્રીએ રાજય સરકાર દ્વારા સ્થપાયેલી રક્ષા,સંસ્કૃત, બાલ, યોગ, પેટ્રોલીયમ, મરિન, ઓર્ગોનિક વગેરે ક્ષેત્રોની યુનિવર્સિટીઓને રાજય સરકારની આગવી સુઝના પ્રતિક ગણાવ્યા હતા. મુખ્યમંત્રીએ રાજયના યુવાનોને હાકલ કરી હતી કે, તેઓ રોજગારી સર્જક બને જેથી દેશના વિકાસમાં ગુજરાતનું સ્થાન અવ્વલ દરજ્જાનું બને. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ કર્મચારીઓ તથા અધિકારીઓ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પારાવાર હેત દાખવ્યું હતું અને તમામ કર્મચારીઓ-અધિકારીગણને સાતમા પગાર પંચના લાભો આપવાની નેમ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિવિધ કોલેજોના પ્રથમ વર્ષના પંદર હજારથી વધુ છાત્રોને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ ભવનો પરથી આજે જ ટેબ્લેટ વિતરણ કરવામાં આવ્યું હતું.
ગરીબોના કલ્યાણને લક્ષ્યમાં રાખીને યોજનાઓ બનાવાઈ
અમદાવાદ, તા.૨૮
સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટ જિલ્લાની ગૃહિણીઓને રસોઈકામ દરમિયાન ચુલા અને કેરોસીનથી ચાલતા સ્ટવમાંથી મુક્તિ અપાવવા માટે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ પરિવારની બહેનોને રાંધણ ગેસના ચુલાનું વિતરણ અર્થે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા અભિયાન પરિણામ સ્વરૂપ ૧૦૨૩૬ બહેનોને આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ગેસસ્ટવનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ ભારપૂર્વક દોહરાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગરીબોના સર્વાંગી ઉત્થાન માટે કામ કરી રહી છે. રૂપાણીએ આ સંદર્ભમાં જણાવ્યું કે, અમે જ્યારે શાસનધુરા સંભાળી ત્યારે જ સંકલ્પબદ્ધ થયા હતા કે ગરીબો, શોષિતો, પિડીતો, વંચિતો, ખેડુતો, યુવાનો અને મહિલાઓના કલ્યાણ માટે કામ કરતા રહીશું. આ માટે જ ગરીબોના કલ્યાણને લક્ષ્યમાં રાખીને વિવિધ યોજનાઓ બનાવી છે.