સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું : મેંદરડામાં પ ઈંચથી વધુ ખાબક્યો

અમદાવાદ, તા.૧૯
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદને પગલે જનજીવન પર વ્યાપક અસરો પડી છે. અનેક સ્થળોએ જળબંબાકારની સ્થિતિ સર્જાયા બાદ સૌરાષ્ટ્રમાં હજુ પણ અનેક ગામડાઓમાં કેડ સમા પાણી ભરાયા છે ત્યારે આજે વરસાદનું જોર ઘટવા છતાં રાજ્યના ૩૬ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે જેમાં મેંદરડામાં પાંચ ઈંચથી વધુ વેરાવળ, કોડીનાર અને માંગરોળમાં ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે આગામી ર૩-ર૪ જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં અનેક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તેનું જોર થોડું ઘટાડ્યું છે. રાજ્યના ૩૬ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં ૧૩૩ મીમી, એટલે કે પાંચ ઈંચથી વધુ અને વેરાવળ તાલુકામાં ૧૧પ મીમી, કોડીનારમાં ૧૧૦ મીમી, માંગરોળમાં ૧૦પ મીમી મળી કુલ ત્રણ તાલુકાઓમાં ચાર ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૧૯/૦૭/ર૦૧૮ને સવારે ૭.૦૦ કલાક દરમિયાન જામનગર તાલુકામાં ૯૬ મીમી, કેશોદમાં ૮૪ મીમી, માળિયામાં ૭૪ મીમી મળી કુલ ત્રણ તાલુકામાં ત્રણ ઈંચથી વધુ, જ્યારે કાલાવાડ તાલુકામાં ૬૯ મીમી, તલાલામાં ૬૮ મીમી, વઘઈમાં ૬૮ મીમી, ઉનામાં ૬ર મીમી, વિસાવદરમાં પ૯ મીમી, લાલપુરમાં પ૮ મીમી, સૂત્રાપાડામાં પ૭ મીમી, જામજોધપુરમાં પ૬ મીમી, ગાંધીધામમાં પ૪ મીમી, ગીર-ગઢડામાં પર મીમી, ધરમપુરમાં પર મીમી, ચીખલીમાં પ૦ મીમી અને જાફરાબાદમાં પ૦ મીમી મળી કુલ ૧૩ તાલુકામાં બે ઈંચથી વધુ અને અન્ય ૧૬ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ હોવાના અહેવાલો છે.
જ્યારે આજે સવારે ૮.૦૦ કલાકથી ૧૦.૦૦ કલાક દરમિયાન વડોદરા જિલ્લાના વડોદરા તાલુકામાં ૭૩ મીમી, એટલે કે ત્રણ ઈંચ જેટલો, બોરસદમાં ૪૭ મીમી, કપરાડામાં ૪૪ મીમી, ડાંગમાં ૪ર મીમી, વાંસદામાં ૩પ મીમી, આંકલાવમાં ર૭ મીમી, બોડેલીમાં ર૭ મીમી એમ મળી કુલ છ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે વરસાદનું જોર ઘટતા તારાજીના દૃશ્યો સામે આવવા લાગ્યા છે. જે ભારે નુકસાનની તેમજ રોગચાળાની ભીતિ દર્શાવી રહ્યા છે.

૧૯ જળાશયો પર હાઈએલર્ટ
જ્યારે પ ડેમ માટે અપાયું એલર્ટ

અમદાવાદ, તા.૧૯
રાજ્યના પૂર નિયંત્રણ એકમ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૧૯/૦૭/૨૦૧૮ના રોજ સવારે ૮ઃ૦૦ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન વ્યાપક વરસાદના કારણે રાજ્યના ૧૯ જળાશયો હાઈએલર્ટ, પ જળાશયો એલર્ટ તેમજ ૧૩ જળાશયો માટે ચેતવણી આપવામાં આવી છે. રાજ્યમાં નવસારી જિલ્લાનું ઝૂજ અને કેલિયા, અમરેલીનું વાડિયા અને ધાતરવાડી, જામનગરનું પુના, ઉન્ડ-૩ અને ફૂલઝર-૧, ભાવનગરનું રોજકી અને બાગડ, ગીર-સોમનાથનું મચ્છુન્દ્રી, જૂનાગઢનું મધુવંતી, પોરબંદરનું અમીરપુર અને તાપીનું દોસવાડા જળાશય સંપૂર્ણ તેમજ રાજકોટનું મોતીસર, ભરૂચનું ઢોળી, જામનગરનું કંકાવટી, જૂનાગઢનું અંબાજલ અને ઓઝત-ર તેમજ ગીર-સોમનાથનું હિરણ-ર જળાશય ૯૦ ટકાથી વધુ ભરાતા કુલ ૧૯ જળાશયોને હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગીર-સોમનાથ જિલ્લાનું રાવલ અને શિંગોડા, રાજકોટનું ભાદર-ર અને ફોફળ-૧, અમરેલીનું સંક્રોલી મળી કુલ પ જળાશયો હાઈએલર્ટ જાહેર કરાયા છે જ્યારે અન્ય ૧૩ ડેમો માટે ચેતવણી આપવામાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts