દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી

(સંવાદદાતા દ્વારા)
તા.૧૦
દક્ષિણ ગુજરાતની પીચ પર ધમાકેદાર બેટિંગ કર્યા બાદ મેઘરાજાએ સૌરાષ્ટ્રના મેદાનમાં ઉતરી ત્યાં પણ તોફાની બેટિંગનો પરચો બતાવવાનું શરૂ કર્યું છે. ગતરાત્રીથી કોડિનાર અને સૂત્રાપાડામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં સૂત્રાપાડામાં ૬ કલાકમાં ૯ ઈંચ અને કોડિનારમાં ૮ ઈંચ સ્કોર નોંધાવ્યો હતો. કોડિનારમાં ભારે વરસાદથી મારૂતિનગરમાં કેડ સમાન પાણી ભરાઈ ગયા હતા. સૌરાષ્ટ્રના ગીરનાર, જૂનાગઢ, ગીર-સોમનાથ, સૂત્રાપાડા, અમરેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લાના ખાંભાના સાલવા, પીપળિયા, કાંટાળા, ચકરાવા, રબારીકા સહિતના વિસ્તારોમાં રથી પ ઈંચ વરસાદ તૂટી પડ્યો હતો. ઉપરાંત સરલા, ઓપકા, શરઢી, પીસાવાડ, ભાવનગર, બગોદરા, ધોળકા તથા આસપાસના વિસ્તારમાં પણ ભારે વરસાદ ચાલુ છે. રાજુલા પંથકમાં તો સતત ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. ખાંભામાં ર ઈંચ વરસાદ ખાબક્યો હતો તો ગીરનાર પર્વત પર પણ ર ઈંચ ખાબક્યો હતો.
દક્ષિણ સૌરાષ્ટ્રનાં ગીર-સોમનાથ જિલ્લામાં ગઇકાલે સોમવારે ઉના તાલુકામાં ૧ થી ૫ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને લીધે દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો હતો. વેરાવળ તાલુકામાં ૧ ઇંચ વરસાદ થયો હતો. જ્યારે જૂનાગઢ જિલ્લામાં ફક્ત વરસાદી ઝાપટાં પડ્યા હતા. અમરેલી જિલ્લાના કુંકાવાવમા બે ઇંચ, સાવરકુંડલા અને જાફરાબાદમા દોઢ ઇંચ તથા વડીયામા એક ઇંચ, બાબરા અને લાઠીમા અડધો ઇંચ વરસાદ થયો હતો. ધારી, લીલીયા અને અમરેલીમા ઝાપટાં પડ્યા હતા. જ્યાં વરસાદ થયો ત્યાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. તેમજ રાજકોટમાં પણ વરસાદી ઝાપટાં વરસ્યા હતા.
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે સવારે ૭ઃ૦૦ કલાકે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન રાજુલા તાલુકામાં ૧૦૬ મી.મી. અને ઉમરગામ તાલુકામાં ૧ર૦ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં ચાર ઈંચથી વધુ અને માળિયા તાલુકામાં ૭પ મી.મી. તથા ગીર-ગઢડા તાલુકામાં ૭પ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ઉપરાંત મોડાસા તાલુકામાં ૬૪ મી.મી., વેરાવળ તાલુકામાં ૬પ મી.મી. અને ખાંભા તાલુકામાં ૬૩ મી.મી. મળી કુલ ત્રણ તાલુકામાં બે ઈંચથી વધુ જ્યારે ધનસુરા, કપડવંજ, સંતરામપુર, માંગરોળ, ઉના, જાફરાબાદ અને સાવરકુંડલા મળી કુલ સાત તાલુકાઓમાં એક ઈંચથી વધુ અને અન્ય ૧પ તાલુકાઓમાં અડધા ઈંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts