માંગરોળ, તા.૧૭
સુરત એસટી વિભાગમાં સમાવિષ્ટ માંડવી એસટી ડેપો કે જેની સૌથી વધુ એસટી ટ્રીપો, સુરત જિલ્લાના અતિપછાત એવા માંગરોળ-ઉમરપાડા અને માંડવી તાલુકાના ગામડાઓમાં સૌથી વધુ મુસાફર અને વિદ્યાર્થી ટ્રીપો દોડે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ એસટી ડેપોનો તમામ ક્ષેત્રે વહીવટ કથળી જતા આજે આ ડેપો, સમગ્ર સુરત એસટી વિભાગમાં તમામ ક્ષેત્રે છેલ્લા ક્રમે ધકેલાઈ જવા પામ્યો છે. આ ડેપોને કુલ ૭૮ એસટી બસો આપવામાં આવેલી છે. જેમાંથી ૧૩ જેટલી એસટી બસો છેલ્લા ઘણા લાંબા સમયથી ઓવરએઝ થઈ ગઈ હોવા છતાં કામદારો અને મુસાફર જનતાના ભોગે આ ૧૩ બસો માર્ગ ઉપર દોડી રહી છે. એસટી તંત્રની કથળેલી હાલતને પગલે દરરોજ ઘણી ટ્રીપોનું અનિયમિત સંચાલન થઈ રહ્યું છે. સાથે જ પાંચથી છ ટ્રીપો દરરોજ રદ કરી નાખવામાં આવે છે. વધુમાં કામદારોમાં ચાલતી ચર્ચા મુજબ સમગ્ર ડેપોની જવાબદારી ડેપો મેનેજરની હોય છે અને તમામ એસટી ડેપો ખાતે ડેપો મેનેજરના નિવાસસ્થાનો ઊભા કરવામાં આવેલા છે તેમ છતાં માંડવી એસટી ડેપોમાં ડેપો મેનેજર ૧૧થી ૬ એસટી ડેપો ખાતે હાજરી આપે છે. ડેપો મેનેજર દરરોજ અપ-ડાઉન કરતા હોય, સાંજે ૭થી સવારે ૧૧ કલાક સુધી એટલે ૧૬ કલાક સુધી ડેપોનો વહીવટ ઉપરવાળાથી ચાલે છે. જો કે ઉપરોકત તમામ હકીકતોથી સુરત એસટી વિભાગીય કચેરી વાકેફ હોવા છતાં આ ડેપોના સુધારા માટે કેમ કોઈ પગલાં લેવામાં ખચકાટ અનુભવી રહી છે ? એ એક ચર્ચાનો વિષય બન્યો છે. વિદ્યાર્થી એસટી ટ્રીપો અનિયમિત બનતા આ ડેપો સંચાલિત એસટી ટ્રીપોના વિસ્તારોના વિદ્યાર્થીઓ આવેદનપત્રો આપવાની સાથે, એસટી બસ રોકો આંદોલન કરી રહ્યા છે. હવે પરીક્ષાઓ શરૂ થનાર છે ત્યારે નિયમિત વિદ્યાર્થી એસટી ટ્રીપો નહીં દોડે તો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે નહીં એવું હાલમાં લાગી રહ્યું છે ત્યારે સુરત એસટી વિભાગના વિભાગીય એસટી વડા રાજગુરૂ આ પ્રશ્ને યોગ્ય કાર્યવાહી કરે એવી માંગ કરવામાં આવી છે.