(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૧૭
સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઈવે ઉપર રોજબરોજ અકસ્માતોના બનાવો વધવા લાગ્યા છે અને વાહનોની ગતિ મર્યાદા બેફામ બનતા લોકોએ અકસ્માતોમાં જીવ ગુમાવવાનો વારો આવે છે.
આવા જ એક બનાવમાં રાજકોટમાં વ્યવસાયનું કામકાજ પતાવી કાર લઈને પરત અમદાવાદ જતા હતા. દરમ્યાન સાયલા ગામથી પાંચ કિ.મી. દૂર કારના ચાલકે કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. જેમાં અમદાવાદના યુવાનનું મોત નિપજ્યું હતું. રાજકોટથી અમદાવાદ ધંધાકીય કામ પતાવી અને પરત અમદાવાદ જતા અમદાવાદના નિશાંત વિજયભાઈ ઉપાધ્યાયને માથાના ભાગે ગંભીર ઈજા પામતા મોત નિપજેલ. જ્યારે કારમાં બેઠેલા રાકેશ અશોકભાઈ સોની અને જયેશભાઈ શર્માને ઈજા પહોંચતા સાયલા દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
વઢવાણમાં દાઝેલ મહિલાનું મોત
વઢવાણ શહેરના ખાંડીપોળ વિસ્તારમાં આવેલા જડેશ્વર મહાદેવ મંદિર પાસેના વિસ્તારમાં રહેતા ખમાબેન વનરાજસિંહ કારડિયા રાજપૂત (ઉ.વ.રપ) ગત તા.૭-૯ના રોજ પોતાના ઘરે પાણીની મોટર ચાલુ કરતા શોર્ટ સર્કિટ સાથે તણખા ઉડતા લાગેલી આગની લપેટમાં આવી જતા દાઝી ગયા હતા. તેઓને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કારગત ન નિવડતા મોત નિપજેલ હતું.