લોકપાલની નિમણૂક બાબતે કેન્દ્રએ રજૂ કરેલ પ્રતિસાદથી સુપ્રીમ કોર્ટ અસંતુષ્ટ

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૪
લોકપાલ માટે સર્ચ કમિટીના સભ્યોની નિમણૂક બાબત કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલ પ્રતિસાદ સામે સુપ્રીમ કોર્ટે અસંતુષ્ટિ દર્શાવી. સુપ્રીમ કોર્ટની બેંચના જજો રંજન ગોગોઈ, આર ભાનુમતિ અને નવિન સિંહાએ કેન્દ્ર સરકારને નવેસરથી સોગંદનામું દાખલ કરવા જણાવ્યું જેમાં સર્ચ કમિટીના સભ્યોની સંપૂર્ણ વિગતો હોય.
સુનાવણી દરમિયાન એટોર્ની જનરલ કે.કે. વેણુગોપાલે સોગંદનામું રજૂ કરી જણાવ્યું કે, સિલેકશન કમિટીની મીટિંગ યોજાઈ હતી પણ સર્ચ કમિટીના નામોને અંતિમરૂપ અપાયો ન હતો. એમણે કહ્યું કે, આગામી મીટિંગ જલ્દીથી યોજવામાં આવશે જેમાં સર્ચ કમિટીના સભ્યોની નિમણૂક કરવામાં આવશે. આ નિમણૂકો કરતી વખતે કાયદાની જોગવાઈઓને ધ્યાનમાં લેવાશે. અરજદારના વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે, સરકારે મીટિંગની કોઈ તારીખ જણાવી નથી. સરકાર લોકપાલની નિમણૂક ટાળી રહી છે. લોકપાલ કાયદો પસાર થયે લગભગ પાંચ વર્ષ થઈ ગયા છે પણ હજી સુધી લોકપાલની નિમણૂક કરાઈ નથી. એમણે કહ્યું કે જવાબદારો સામે તિરસ્કારની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ અને સુપ્રીમ કોર્ટે પોતે મળેલ અધિકારની રૂપે લોકપાલની નિમણૂક કરવી જોઈએ. બંધારણના અનુચ્છેદ ૧૪ર હેઠળ કોઈપણ ડિક્રી અથવા આદેશોનો અમલ કરાવી શકે છે. બેંચે પોતાના આદેશમાં કહ્યું કે, એ સરકારના વલણથી સંતુષ્ટ નથી અને નવેસરથી સોગંદનામું દાખલ કરવા જણાવ્યું. આ પહેલાંની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, એ સર્ચ કમિટીના સભ્યોની નિમણૂક કરશે અને એ પછી કમિટી લોકપાલની નિમણૂકની પ્રક્રિયાને આગળ ધપાવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks