અમદાવાદ, તા.૨૨
તાજેતરમાં હરિયાણા રાજયના ગુડગાંવ ખાતે રેયાન સ્કૂલમાં વિદ્યાર્થીની ચકચારી હત્યા અને અમદાવાદ શહેરમાં શાહપુરની શાળામાં બાળકી સાથે દુષ્કર્મના બનાવોને ધ્યાનમાં લઇ અમદાવાદ શહેર પોલીસ દ્વારા પણ શહેરની તમામ શાળાઓની ઉદ્દેશીને બાળકો અને વિદ્યાર્થીઓની સુરક્ષા તેમ જ સલામતીને લઇને ખૂબ જ મહત્વની માર્ગદર્શિકા સાથેનો પરિપત્ર જારી કરાયો છે અને તેની અમલવારી માટે શાળાઓને તાકીદ કરાઇ છે. જેમાં શાળાઓમાં મહત્વના પોઇન્ટ પર સીસીટીવી કેમેરા લગાવવાથી માંડી, તમામ સ્ટાફ કર્મચારીઓ અને શાળામાં આવતાં સ્કૂલબસના કે રીક્ષા ડ્રાઇવર સહિતના સંબંધિત તમામ લોકોના નામ, સરનામા અને પુરાવા સહિતના ડેટાબેઝ માહિતી રાખવા અને શાળાના બાળકોની સલામતી માટે એક શિક્ષકની સીકયુરીટી ઓફિસર તરીકે નિમણૂંક કરવા સહિતની માર્ગદર્શિકાઓનો સમાવેશ થાય છે. શહેર પોલીસ તંત્ર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકામાં જે મહત્વની સૂચનાઓ જારી કરાઇ છે, તેમાં શાળાઓમાં મહત્વના પોઇન્ટ પર સીસીટીવી કેમેરા લગાવવા, તમામ કેમેરાનું ૫૦ દિવસનું રેકોર્ડીંગ કરવાનું રહેશે, શાળામાં તમામ સ્ટાફ અને બહારથી કામકાજ આવતાં લોકોના તેમ જ સ્કૂલબસ અને રીક્ષા ડ્રાઇવર સહિતના લોકોના નામ-સરનામા અને પુરાવાઓ, પૂર્વ ઇતિહાસ સહિતનો ડેટાબેઝ તૈયાર કરવો અને સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે ખરાઇ કરાવવાની રહેશે. શાળામાં મુલાકાતીઓનું રજિસ્ટ્રેશન અને એન્ટ્રી ફરજિયાત કરવાની રહેશે, શાળામાં ઓછામાં ઓછી બે મહિલા શિક્ષકોની નિમણૂંક અવશ્ય સુનિશ્ચિત કરવાની રહેશે કે જેઓ શાળાની બાળાઓ અથવા વિદ્યાર્થીઓની જે કોઇ મુશ્કેલી હોય તેનું નિવારણ કરી શકે, શાળામાં વાલી સમિતિની મીટીંગ સમયાંતરે કરવી, વિદ્યાર્થીઓની સુરક્ષા અને જાતીય શોષણ બાબતે જાગૃતિ સેમીનાર કરવા, શાળામાં નોટિસ બોર્ડ પર મહિલા હેલ્પલાઇન, મહિલા શિક્ષિકા, પોલીસ સ્ટેશન અને કંટ્રોલ રૂમના નંબરો મૂકવા, નાના બાળકોના બાથરૂમ વગેરે માટે સંભાળ રાખનાર આયા અને તેડાગરની નિમણૂંક કરવી, શાળાના બાળકોની સીકયુરીટી માટે એક શિક્ષકની સીકયુરીટી ઓફિસર તરીકે જવાબદારી નિયુકત કરવાની રહેશે, શાળાના કોઇપણ વિદ્યાર્થી સાથે ગેરવર્તન કે કોઇ અનિચ્છનીય બનાવ બને તો, તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવાની રહેશે. શહેર પોલીસતંત્ર દ્વારા આ માર્ગદર્શિકાઓનું તાત્કાલિક ધોરણે અને અસરકારક અમલવારી કરવા શાળાઓને તાકીદ કરાઇ છે અને કંટ્રોલરૂમ મારફતે સંબંધિત તમામ પોલીસ સ્ટેશનોને પણ જાણ કરી દેવાઇ છે.