SC/ST એકટમાં સુધારા અંગે સુપ્રીમે મોદી સરકારને નોટિસ ફટકારી

(એજન્સી) નવી દિલ્હી, તા.૭
કેન્દ્રની નરેન્દ્રમોદી સરકાર દ્વારા પછાત જાતિ અને પછાત જનજાતિ કાયદમાં સુધારો કરવાનો મામલો ફરી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. એસસી/એસટી કાયદાને સુપ્રીમ કોર્ટે નબળો બનાવ્યો હતો. જેને પલટાવવા સરકારે સંશોધન કરી ફરીથી પહેલાંની જેમ પુનઃસ્થાપિત કર્યો હતો. જે સુધારાને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઈ છે જેના પગલે સુપ્રીમકોર્ટે કેન્દ્રને નોટિસ મોકલવાની ૬ અઠવાડિયાઓમાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે. નોંધનીય છે કે એસસી/એસટી કાયદામાં સંસદના મોનસૂન સત્રમાં સુધારો કરી એમાં પહેલાં જેવી પરિસ્થિતિ પુનઃસ્થાપિત કરાઈ છે. સુધારો કરાયા પછી કાયદામાં કલમ ૧૮એ ઉમેરી દે છે. જે મુજબ દલિતોને ત્રાસ આપવા બદલ તાત્કાલિક ધરપકડ થશે અને આગોતરા જામીન પણ નહીં મળે. અરજીમાં નવા સુધારાઓને ગેરબંધારણીય જાહેર કરવા માગણી કરાઈ છે. સુધારેલ કાયદો સંસદના બંને ગૃહોએ પસાર કર્યો છે.
સુપ્રીમકોર્ટે ર૦મી માર્ચે ચુકાદો આપી એસસી/એસટી કાયદાના દુરૂપયોગ બાબત ચિંતા દર્શાવી હતી અને નિર્દેશો આપ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે એસસી/એસટી કાયદા હેઠળ ફરિયાદ મળ્યા પછી તરત કેસ દાખલ નહીં કરાશે. પહેલાં ફરિયાદની પ્રાથમિક તપાસ કરવામાં આવશે.
સરકારી કર્મચારીની ધરપકડ કરતા પહેલાં એમના વડાની મંજૂરી લેવી પડશે અને સામાન્ય વ્યક્તિની ધરપકડ પહેલાં એસએસપી દ્વારા મંજૂરી લેવી પડશે. કોર્ટે આગોતરા જામીન માટે પણ પરવાનગી આપી હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયા જેના પછી એમાં સરકારે સુધારો કર્યો. સરકારે સુધારાની જે કલમ ૧૮-એ મૂકી છે એમાં આગોતરા જામીન ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે.
સ્પષ્ટ છે કે હવે સુપ્રીમકોર્ટના આદેશની વિરૂદ્ધમાં થશે પહેલાની જેમ ફરિયાદ મળતા એફઆઈઆર દાખલ થશે. આરોપીની ધરપકડ થશે અને આરોપીને આગોતરા જામીન નહીં મળે અર્થાત જેલમાં જવું પડશે. આમ તો સુપ્રીમકોર્ટના ચુકાદા સામે કેન્દ્ર સરકારની પુનઃવિચારની અરજી સુપ્રીમકોર્ટેમાં પડતર છે. જો કે નવા કાયદા ઘડાયા પછી પુનઃવિચાર અરજીનું કોઈ મહત્ત્વ રહેતું નથી.

SC/ST એક્ટ : ભાજપના સવર્ણ સાંસદોએ ચર્ચાની
માગ કરી, ‘અમે કોઇને પાછળ રાખી શકીએ નહીં’

એસસી/એસટી કાયદાની આકરી જોગવાઇઓને કથિત હળવી કરવાના સુપ્રીમ કોર્ટના આદેશ વિરૂદ્ધ ભાજપના દલિત સાંસદો દ્વારા અવાજ ઉઠાવ્યાના પાંચ મહિના બાદ સત્તાધારી પાર્ટીના ઉચ્ચ જાતિના સાંસદોએ ગુરૂવારે દેશના વિવિધ ભાગોમાં ઉચ્ચ જાતિઓ દ્વારા કાયદામાં સુધારા મુદ્દે કરાયેલા દેખાવો અંગે સરકા સાથે મંત્રણા કરવાની માગ કરી હતી. ચાલુ વર્ષે જ ચૂંટણી યોજાવાની છે તેવા મધ્યપ્રદેશના સિધીમાંથી ભાજપના સાંસદ રિતી પાઠકે કહ્યું છે કે, તેઓ આ મુદ્દો પાર્ટીના સિનિયર નેતાઓ સમક્ષ ઉઠાવશે. તેમણે કહ્યુ કે, ‘ચોક્કસપણે ચર્ચા થવી જોઇએ. ભાજપ એવી સંવેદનશીલ પાર્ટી છે જે સબકા સાથ સબકા વિકાસમાં માને છે. અમે આગળ વધવા માટે કોઇને પાછળ ના છોડી શકીએ.’ ગુરૂવારના દેખાવો અંગે તેમણે કહ્યું કે, તમે તેને ગુસ્સો અથવા ચિંતા બહાર આવી તેમ કહી શકો છો. આગામી ચૂંટણીઓમાં આની અસર અંગે તેમણે કહ્યું કે દરેક બાબતને અસર થઇ શકે છે. ભાજપના સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કલરાજ મિશ્રએ કહ્યું કે, આ કાયદો એસસી અને એસટી જાતિઓને સતામણી અને અત્યાચારોથી સુરક્ષિત કરવા માટે બનાવાયો છે. પણ ચિંતાનો વિષય એ છે કે, કાયદાનો અમલ કરવા જતા બીજા લોકોનું શોષણ ના થવું જોઇએ. કલરાજ મિશ્ર ઉત્તરપ્રદેશના દેવરિયામાંથી સાંસદ છે અને અહીં મોટા પ્રમાણમાં ઉચ્ચ જાતિના મતદારો છે.

લોકસભા સ્પીકરે SC/ST કાયદાને ‘બાળકને
અપાયેલ ચોકલેટ પાછી લઈ લેવા’ જેવી ગણાવી

એસસી/એસટી કાયદામાં સુધારો કરાયા પછી પણ આ મુદ્દે સંઘર્ષો ચાલુ જ છે. હવે અનામતનો વિરોધ કરવા સવર્ણો મેદાનમાં આવ્યા છે અને એમણે ગઈ કાલે ભારત બંધનું એલાન આપ્યું હતું. એવા વાતાવરણ વચ્ચે લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને પોતાનું મંતવ્યું વ્યક્ત કરતા કહ્યું કે બધા પક્ષોએ ભેગા મળીને આ મુદ્દે ચર્ચા કરવી જોઈએ. ઈન્દોરમાં યોજાયેલ એક કાર્યક્રમમાં સુમિત્રા મહાજને કહ્યું કે આ મુદ્દાની ચર્ચા કરવા બધા રાજકીય પક્ષોએ ભેગા થઈ ચર્ચા કરવી જોઈએ અને એને રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ. કારણ કે સુધારાને પસાર કરતી વખતે સંસદના બંને ગૃહોના સભ્યોએ એને મંજૂરી આપી હતી. સંસદનું કાર્ય કાયદાઓ ઘડવાનું છે પણ બધા સાંસદોએ આ મુદ્દે વિચારવું જોઈએ. સમાજના લોકોનું કાર્ય છે કે ચર્ચા માટે યોગ્ય વાતાવરણ ઊભું કરવામાં આવે. એમણે પોતાની વાતને સમજાવવા દાખલો આપી જણાવ્યું કે ધારો કે તમે એક મોટી ચોકલેટ બાળકને આપી અને પછીથી તમને થયું કે આટલી મોટી ચોકલેટ એના માટે સારી નથી એ પછી એ વ્યક્તિ એની પાસેથી ચોકલેટ પાછી મેળવવા પ્રયાસ કરશે. પણ એ વ્યક્તિ તરત પાછી નહીં લે કારણ કે એનાથી બાળક રડશે અને રોષે ભરાશે. પણ અમુક બુદ્ધિમાન લોકો બાળકને સમજાવશે કે આટલી મોટી ચોકલેટ એના માટે સારી નથી અને પછી ચોકલેટ પાછી મેળવવા પ્રયાસ કરશે. જો કોઈ વ્યક્તિ કે કોમને અપાયેલ રાહત અથવા ભેટ તમે તાત્કાલિક પાછી મેળવવા જશો તો એનાથી વિસ્ફોટ થશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts