(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૦
શહેરના વેસુ ખાતે આવેલી એસ.ડી.જૈન સ્કૂલના સંચાલકો દ્વારા ફી મુદ્દે આંદોલન ચલાવનાર ૧૧ વાલીઓને તેના વિદ્યાર્થીઓના એલસી પકડાવી દેવામાં આવ્યા હતા. જેના કારણે વાલીઓમાં ભારો આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્કૂલ સંચાલકોની દાદાગીરીનો ભોગ બનેલા વાલીઓ સહિત પ૦ થી વધુ લોકો આજે સવારે ડીઇઓ કચેરી પહોંચી ગયા હતા. જોકે ડીઇઓ હાજર ન હોવાના કારણે આખરે તમામ વાલીઓ કચેરીમાં જ બેસી ગયા હતા. જ્યાં સુધી ડીઇઓ તેમની સાથે મુલાકાત નહી કરે ત્યાં સુધી બેસવાના મક્કમ નિર્ધાર સાથે વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો. એલસી આપવાના કારણમાં તેઓએ વાલીઓ સ્કૂલને યોગ્ય સપોર્ટ ન કરતા હોવાનો ઉલ્લેખ કરી વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી રવાના કરી દીધા હતા. જેથી આખરે વાલીઓ સ્કૂલના સંચાલકોને પણ મળવા માટે ગયા હતા. પરંતુ સ્કીલના સંચાલકોએ મળવાની ચોખ્ખી ના પાડી વાલીઓને હડધૂત કર્યા હતા. જેના કારણે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે સવારે ૧૦ વાગ્યાના અરસામાં પ૦ થી વધુ વાલીઓ ડીઇઓ કચેરી રજૂઆત માટે પહોંચ્યા હતા. પરંતુ ડીઇઓ કે ઇન્સપેક્ટર કોઇ હાજર ન હોવાના કારણે આખરે વાલીઓએ જ્યાં સુધી ડીઇઓ સાથે રૂબરૂ મુલાકાત નહી થાય ત્યાં સુધી ડીઇઓ કચેરીમાં જ બેસવાની જીદ પકડી આખરે ડીઇઓ કચેરીમાં જ બેઠા હતા. વાલીઓની માંગણી છે કે વિદ્યાર્થીઓને ખોટી રીતે એલસી આપનાર શાળાની માન્યતા રદ કરવામાં આવે. બીજી તરફ વાલીઓમાં આક્રોશ વધુ જોવા મળતા આખરે સ્કૂલના સંચાલકોએ આજે સવારથી જ એસડી જૈન સ્કૂલ પર બાઉન્સરો ગોઠવી દીધા હોવાનું જાણવા મળ્યું છે.