(એજન્સી) તા.૩૦
ભારતીય સેનાના ૩ કોર્પ્સ ઈન્ટેલિજન્સ યુનિટના એક લેફ.કર્નલે મણિપુર હાઈકોર્ટમાં એક સોગંદનામું દાખલ કરી આરોપ લગાવ્યો છે કે, ૩ કોર્પ્સ ઈન્ટેલિજન્સ યુનિટની એક ટીમ રાજ્યમાં માસૂમ લોકોની હત્યા અને બળજબરીપૂર્વક ખંડણીને પ્રોત્સાહન આપી રહી છે. લેફ.કર્નલ ધર્મવીરસિંહ વતી તેમની પત્ની રંજુસિંહે મણિપુર હાઈકોર્ટમાં આ સોગંદનામું દાખલ કર્યું છે. આ સોગંદનામું દાખલ થયા પછી મણિપુર હાઈકોર્ટે ૧ ઓગસ્ટ સુધી સેનાને તેનું સોગંદનામું દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. લેફ.કર્નલે તેમના સોગંદનામામાં દાવો કર્યો હતો કે ૧ જુલાઈના દિવસે લેફ.કર્નલ નંદા અને મેજર રાઠોડના નેતૃત્વવાળા સૈનિકોએ તેમની ધરપકડ કરી હતી અને પાંચ દિવસ પછી કોર્ટના આદેશ પર તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. બીજી તરફ સેનાએ લેફ.કર્નલના દાવાને પાયાવિહોણા ગણાવી રદ કરી દીધા હતા. સેનાનું કહેવું છે કે, લેફ.કર્નલ ધર્મવીરસિંહ હાલમાં રજા પર છે અને પોતાના પરિવાર સાથે ઈમ્ફાલમાં રહે છે જ્યારે લેફ.કર્નલ ધર્મવીરસિંહનું કહેવું છે કે સેનાના કેટલાક વરિષ્ઠ અધિકારીઓના ખોટા કાર્યોનો ખુલાસો કરવા બદલ તેમને લક્ષ્યાંક બનાવવામાં આવી રહ્યા છે. સોગંદનામા પ્રમાણે ૯ સપ્ટેમ્બર ર૦૧૬ના દિવસે લેફ.કર્નલ ધર્મવીરસિંહે એક બનાવટી એન્કાઉન્ટર વિશે ફરિયાદ કરી હતી. આ ઘટનામાં સેનાની એક ટીમે મણિપુરના નિર્દોષ યુવકોનું રંગાપહાડ વિસ્તારમાં બનાવટી એન્કાઉન્ટર કરી દીધું હતું. આ એન્કાઉન્ટર વિશેના સોગંદનામામાં સૈન્ય અધિકારીએ તેની અને તેના પરિવારની જાન જોખમમાં હોવાનો દાવો કર્યો હતો. લેફ.કર્નલ ધર્મવીરસિંહના સોગંદનામામાં એક અન્ય ઘટનાનો પણ ઉલ્લેખ છે. જેમાં ૩ કોર્પ્સ ઈન્ટેલિજન્સ યુનિટની ટીમ વર્ષ ર૦૧૦થી ર૦૧૧ સુધી હત્યા અને બળજબરીપૂર્વક ખંડણી વસૂલીમાં સંડોવાયેલી હતી. સોગંદનામા પ્રમાણે ૧૦ માર્ચ ર૦૧૦ના દિવસે ૧ મણિપુરી યુવકોની ધરપકડ કરી તેમનું એન્કાઉન્ટર કરી નાંખવામાં આવ્યું હતું. ગુવાહાટી હાઈકોર્ટમાં આ ઘટના સંબંધિત એક કેસ પણ ચાલુ છે. મેજર ટી.રવિએ આ ઘટના વિશે જનરલ કમાન્ડીંગ ઓફિસરને એક પત્ર પણ લખ્યો હતો કે ૩ મણિપુરી યુવકોની હત્યા પાછળ સેનાની ૩ કોર્પ્સ ઈન્ટેલિજન્સ યુનિટનો હાથ છે. આવા જ એક અન્ય કિસ્સામાં સેન્ટ ડોમિનિક કોલેજના એક વિદ્યાર્થી સતીષ અને તેના સાથીની શિલોંગથી ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ માસિમપુરના જંગલોમાં બન્નેની હત્યા કરી દેવામાં આવી હતી. લેફ.કર્નલના સોગંદનામા પ્રમાણે સેનાથી ૩ કોર્પ્સ યુનિટ દીમાપુરની એક મહિલા અને તેના અને તેના બાળકના અપહરણમાં સંડોવાયેલી હતી જેમાં મહિલાને છોડી મૂકવા માટે ૧ કરોડ રૂપિયા માંગવામાં આવ્યા હતા. નોંધનીય છે કે સ્પેશિયલ ફોર્સના ફર્સ્ટ પેરા કમાન્ડોમાં સામેલ લેફ્ટનન્ટ કર્નલ ધર્મવીર સિંહ છેલ્લા ૩૨ વર્ષથી સક્રિય રીતે ફરજ બજાવી રહ્યાં છે. તેમનો આર્મીની ફરજ દરમિયાનનો રેકોર્ડ જ બતાવે છે કે તેઓ સારો રેકોર્ડ ધરાવતા અધિકારી છે. તેઓ મોટાભાગે અથડામણવાળા વિસ્તારોમાં જ ફરજ બજાવી ચૂક્યા છે. શ્રીલંકામાં અથડામણોમાં પણ તેઓ સામેલ હતા. કારગિલ યુદ્ધમાં પણ તેમની ભૂમિકા હતી. તેઓ મહત્વના પદો પર રહ્યાં છે. મેનહોલમાં પડી જનારા બે લોકોને બચાવવાની કામગીરી માટે પણ તેઓ ચર્ચામાં રહ્યા હતા. રેકોર્ડ મુજબ ૨૦૦૯માં એક કાર્યક્રમ પતાવી તે મુંબઈમાંથી અમેરિકી ક્લબ નજીકથી ઘરે જઇ રહ્યા હતા. આ ઘટના કોલબાની છે. ત્યારે એક મેનહોલમાં બે સફાઈકર્મી પડી ગયા હતા. ઝેરી ગેસને લીધે બંને બેભાન થઈ ગયા હતા. જોકે હિંમત દાખવતાં ધર્મવીરે આ બંને વર્કરોને મેનહોલથી બહાર કાઢી આઈસીયુમાં ભરતી કર્યા હતા.
(સૌ. : ઈન્ડિયન એક્સપ્રેસ)