સેન્સેક્સ ૮૦૬ પોઇન્ટ ધડામ, રોકાણકારોએ બે દિવસમાં ૫ લાખ કરોડ ગુમાવ્યા

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
ગુરુવારે ભારતીય શેરબજારમાં ૮૦૬ પોઈન્ટ્‌સનો જંગી કડાકો જોવા મળ્યો હતો. ક્રૂડના ભાવમાં ઉછાળા અને રૂપિયાની નરમાઈએ શેરબજાર પર પડતાં પર પાટું જેવી સ્થિતિ સર્જી હતી. છેલ્લા બે સેશનમાં સેન્સેક્સમાં ૧૩૫૭ પોઈન્ટ્‌સનું ધોવાણ થઈ ગયું હતું. આ સાથે જ રોકાણકારોએ બે દિવસમાં પાંચ લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. ક્રૂડના ભાવમાં વધારાથી વેપાર ખાધ વધવાની ભીતિએ બજારમાં ગભરાટભરી વેચવાલી જોવા મળી હતી. આજે સવારથી જ ઓઈલ-ગેસ, IT, ફાર્મા, FMCG અને ટેકનો શેર્સમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી. ક્રૂડના ભાવ આજે સવારે બેરલદીઠ ૮૬ ડોલર બોલાયા હતા જ્યારે અમેરિકન ડોલર સામે રૂપિયો વધુ ગગડીને ૭૩.૭૭ની નવી નીચી સપાટીને સ્પર્શી ગયો હતો.
દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં ૩૫,૮૨૦.૫૩ અને નીચામાં ૩૫,૦૨૨.૧૨ પોઈન્ટ્‌સની રેન્જમાં અથડાયા બાદ ૮૦૬.૪૭ પોઈન્ટ્‌સ અથવા ૨.૨૪ ટકાના કડાકા સાથે ૩૫,૧૬૯.૧૬ પોઈન્ટ્‌સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં ૧૦,૭૫૪.૭૦ અને નીચામાં ૧૦,૫૪૭.૨૫ પોઈન્ટ્‌સની વચ્ચે ટ્રેડ થયા બાદ ૨૫૯.૦૦ પોઈન્ટ્‌સ અથવા ૨.૩૯ ટકાના ધોવાણ સાથે ૧૦,૫૯૯.૨૫ પોઈન્ટ્‌સની સપાટીએ બંધ રહ્યો હતો. શેરબજારમાં થયેલા ઘટાડાના કારણે રોકાણકારોને અંદાજે રૂ. ૩.૨૧ લાખ કરોડનું નુકસાન થયું છે.
સેન્સેક્સમાં સામેલ ૩૦માંથી ૨૮ કંપનીઓના શેરમાં ઘટાડો થયો છે. મોટાભાગના સેક્ટર ઈન્ડેક્સ લાલ નિશનામા સામેલ થયા છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આરબીઆઈ મોનીટરી પોલિસી સમીક્ષા પહેલાં રોકાણકારો એલર્ટ થયા છે. કેન્દ્રીય બેન્ક શુક્રવારે વ્યાજદરની જાહેરાત કરી શકે છે. માનવામાં આવે છે કે, રેપો રેટમાં ૦.૨૫ ટકાનો વધારો થઈ શકે છે. ક્રૂડ ઓઈલ મોંઘુ થયું હોવાથી પણ શેરબજારમાં વેચવાલી જોવા મળી છે. બ્રેન્ટ ક્રૂડ ૮૬ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. તે નવેમ્બર ૨૦૧૪ પછીનો સૌથી વધારે રેટ છે. અમેરિકી વ્યાજદરોમાં વધારો અને મોંઘાં બની રહેલાં ક્રૂડતેલને કારણે આર્થિક સ્થિતિ કથળી રહી છે.
દેશમાં ફુગાવાનો દર વધી રહ્યો છે તેથી રિઝર્વ બેન્ક આગામી આર્થિક સમીક્ષામાં પોલિસી રેટમાં વધારો કરે તેવી પ્રબળ સંભાવના છે. મજબૂત ડોલર અને ક્રૂડની વધતી જતી કિંમતો રૂપિયાને વધુ નબળો બનાવી રહી છે. નજીકના સમયમાં રૂપિયાની કિંમતમાં મજબુતાઈ જોવા મળે તેવી કોઈ સંભાવના નથી. ક્રૂડની કિંમતમાં થઈ રહેલો વધારો રૂપિયા પર વધુ દબાણ લાવશે અને આગામી સમયમાં રૂપિયો ૭૩-૭૫ વચ્ચે ફંગોળાતો રહેશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts