વેરાવળમાં રાહત પહોંચાડવામાં તંત્ર વામણું પુરવાર : સેવાભાવી લોકો પૂરગ્રસ્તોની વ્હારે

(સંવાદદાતા દ્વારા) વેરાવળ, તા.ર૦
વેરાવળ-સોમનાથમાં છેલ્લા દસ દિવસથી મેઘરાજા કહેર વરસાવી રહયા હોવાથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ગઇકાલે સાંજથી મેઘરાજાએ ખમ્મા કરેલ હોવાથી અનેક સોસાયટીઓમાંથી પાણી ઓસરવા લાગ્યા છે. તેવા સમયે છેલ્લા ૯૬ કલાકથી શહેરના તાલાલા રોડ પર આવેલ સોસાયટીઓના રહેણાંક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાયેલા હોવાથી લોકો કેદ બન્યા છે.
વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં આવેલ મીસ્કીન કોલોની, દલ સોસાયટી, ગોદરશા કોલોની, ગરીબ નવાઝ કોલોની, કૌશર કોલોની, પ્રીન્સ કોલોની સહિતની મોટા ભાગની સોસાયટીના રહેણાંક વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી કેડસમાથી ગોઠણડુબ વરસાદી પાણી ભરાયેલા હોવાથી રહેવાસીઓ કેદ બન્યા છે. સોસાયટીના અમુક ઘરોમાં ગઇકાલ સુઘી તો પાણી ભરાયેલ હોવાથી ઘરવખરીને ખાસુ નુકશાન થયુ છે. જો કે, ગઇકાલે સાંજથી મેઘરાજાએ વિરામ ખાતા વરસાદી પાણી વઘુ ભરાતુ અટકયુ છે પરંતુ આ પાણીનો નિકાલ ન થતો હોવાના પગલે આજે વરસાદના વિરામ બાદ ચોવીસ કલાક બાદ પણ પાણી ભરાયેલા જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં બાળકો, મહિલાઓ ઘરમાં પુરાવવા મજબુર બન્યા છે. તો પુરુષોને જોખમભરી રીતે કેડસમા પાણીમાંથી ચાલીને બહાર નિકળવાની ફરજ પડી રહી છે. તો અમુક ઘરોમાંથી બિમાર અશકત વૃધ્ધોને દવાખાને લઇ જવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે.
આ કોલોનીઓમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા ખાવાપીવાની તકલીફ સર્જાતા વેરાવળ મુસ્લિમ સમાજના પ્રમુખ અનવરભાઈ ચૌહાણ અને તેમની ટીમ, તુરક સમાજના પ્રમુખ જાવીદભાઈ તાજવાણી અને તેમની ટીમ, ફારૂકભાઈ પેરેડાઈઝ, ગુલામ ખાન, સુન્ની જમાતના હનીફભાઈ કૈલા અને તેમની ટીમ, ફારૂક જાગા અને તેમની ટીમ, અફઝલ સર પંજા સહિત અન્ય સેવાભાવી કાર્યકરો દ્વારા પાણીમાં ફસાયેલા લોકોને દુધ, ફુડ પેકેટ, બીસ્કીટ, અખની સહિત ખાવા પીવાની ખાદ્ય વસ્તુ પહોંચાડી માનવતાનુ ખૂબજ સારૂ કાર્ય કરેલ. જ્યારે આ ફસાયેલા લોકોની ફરિયાદ હતી કે વહીવટી તંત્ર કે નગરપાલિકા તરફથી કોઈ મદદ નહી મળતા લોકોમાં નારાજગી જોવા મળતી હતી. આવી વિકટ પરિસ્થિતિમાં રહેતા મીસ્કીન કોલોની તથા અન્ય કોલોનીના રહેવાસીઓના જણાવ્યા મુજબ, અમારા વિસ્તારની દસેક જેટલી સોસાયટીઓમાં પાણી ભરાવવાથી ગંભીર પરિસ્થિતિ સર્જાય હોવા છતાં તંત્ર અમારી મદદે નહી આવતા ખાવા-પીવા માટે ભારે હાલાકી ભોગવવી પડી જ્યારે સમાજોના પ્રમુખો અને સેવાભાવી યુવાનોએ ભારે તકલીફો લઈ આ વિસ્તારોમાં તાજી ખાદ્ય સામગ્રી પહોંચાડી અમારા માટે ફરીસ્તા જેવી કામગીરી કરી દુઆના હક્કદાર બનેલ છે
આ અંગે ચીફ ઓફીસર જતીન મહેતાએ જણાવેલ કે, આ સોસાયટીઓનું જે નાળાઓમાંથી વરસાદી પાણીનો નિકાલ થઇ રહેલ ત્યાં અમુક પેશકદમીઓ અને અવરોધો હતા. જે અમારી રૂબરૂ મુલાકાતમાં ધ્યાને આવતા તેને યુધ્ધના ધોરણે દુર કરવાની કામગીરી શરૂ કરી દેવાયેલ છે. સંભવતઃ બે-એક દિવસમાં પાણીનો નિકાલ થઇ જશે તેવી આશા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks