
(સંવાદદાતા દ્વારા)
કોડીનાર, તા.રપ
કોડીનાર અને તેની આસપાસનાં ગીરગઢડા-ઉના તાલુકાઓના સતત ૧ર દિવસ ભારે વરસાદથી ત્રણેય તાલુકાઓના અનેક ગામો બેટમાં ફેરવાયા હતા. પાણી ભરાવાના કારણે ઘરવખરીનો સંપૂર્ણ સફાયો થતા અનેક ગામોમાં લોકોએ ૪થી પ દિવસ સુધી ભૂખ્યા તરસ્યા રહીને દિવસો ગુજાર્યા હતા. અસરગ્રસ્ત વિસ્તારોમાં પુરના પાણી ઓસરતા કોડીનારની અનેક સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા ગરમાગરમ ભોજન અને અનાજકીટની સહાયનો ધોધ વહેવડાવી કોઈપણ જાતના ભેદભાવ વગર માત્ર માનવતાના ધર્મે પ્રશંસનીય કામગીરી કરી હતી. અસરગ્રસ્તોના ઠપ્પ થયેલા જનજીવનને ધબકતું કરવા ઉત્તમ કામગીરી કરતાં મેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ હરીભાઈ વિઠલાણીએ આ કામગીરીને બિરદાવી શહેરના હિન્દુ-મુસ્લિમોએ ખભેથી ખભે મિલાવી કોમી એકતા ભાઈચારા વચ્ચે કરેલી આ કામગીરી સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ બને તેવી શુભકામના પાઠવી હતી.
આ ઉમદા કામગીરીમાં કોડીનારની માં ભગવતી સેવા મંડળ દ્વારા સતત ૧૦ દિવસ શહેરના ગરીબો, અસરગ્રસ્તોને ગરમાગરમ થેપલા અને સૂકી ભાજીનું વિતરણ કરાયું હતું જ્યારે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી અને નગર પાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી દ્વારા ઘરવખરીની ૧ર૦૦ અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે દિનુભાઈ સોલંકીએ અતિ અસરગ્રસ્ત ૪થી પ ગામોમાં રાહતરસોડા ચાલુ કરી લોકો માટે ભોજનની વ્યવસ્થા પૂરી પાડી હતી. કારડિયા રાજપૂત સમાજ રાકોટ દ્વારા પણ ૩૦૦ કિટોનું દિનુભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ શિવાભાઈ સોલંકી પ્રતાપભાઈ ડોડિયા, સુભાષભાઈ કોડિયા,હરીભાઈ વિઠલાણી, મેર સાહેબ દ્વારા અસરગ્રસ્ત ગામોમાં વિતરણ કરાઈ હતી. ઉપરાંત પણ અનેક સેવાભાવી સંસ્થા અને વ્યક્તિઓ દ્વારા કોઈપણ જાતના ભેદભાવ વગર ભાઈચારા સાથે પ્રસિદ્ધિ વિના નિસ્વાર્થ માનવતાની સુવાસ ફેલાવી પ્રશંસનીય કામગીરી કરી છે.