(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
બજેટ સત્ર દરમ્યાન તેલુગુદેશમની આગેવાની હેઠળ વિપક્ષોએ સરકાર સાથે અવિશ્વાસ પ્રસ્તાવ મૂક્યો હતો પણ સ્પીકરે એને ચર્ચા માટે મંજૂરી આપી ન હતી અને કારણ જણાવ્યું હતું કે, લોકસભામાં વ્યવસ્થા સારી નથી.
એ વાત જાણીતી છે કે મોદી સરકાર અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર ચર્ચા કરવા ન હતી માંગતી, એ માટે નહીં કે સરકાર અવિશ્વાસ પ્રસ્તાવમાં હારી જશે પણ પોતાની નિષ્ફળતાઓની ચર્ચા કરવા ન હતી માંગતી. સંખ્યાના બળે આજે પણ મોદી સરકારને કોઈપણ ખતરો નથી જ, પણ પોતાની સામે થતાં આક્ષેપોના જવાબો આપવા ઈચ્છતી ન હતી. તે વખતે સામે કર્ણાટકની ચૂંટણીઓ હતી જેને પણ ધ્યાનમાં રાખી ચર્ચાથી દૂર રહેવા ઈચ્છતી હતી.
પણ મોનસુન સત્રમાં પરિસ્થિતિ કંઈક જુદી જ છે. લોકસભા સ્પીકરે તરત જ ચર્ચા માટે તૈયારી બતાવી અને એ પણ સત્રની શરૂઆતમાં જ. એની પાછળ સરકારની ખૂબ જ ગણતરીઓ સમાયેલ છે.
સરકાર વિપક્ષોને ફસાવવા માંગે છે કે અમે ચર્ચાથી દૂર નથી ભાગતા અને દરેક પ્રશ્નોના ઉત્તરો આપવા સક્ષમ છીએ. ભાજપના મંત્રીએ કહ્યું કે, તે વખતે તેલુગુદેશમની આગેવાની હેઠળ વિપક્ષોએ પ્રસ્તાવ મૂક્યો હતો પણ આ વખતે કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષે પ્રસ્તાવ મૂક્યો છે. સરકાર કોંગ્રેસ સામે જ લડવા માંગે છે. અન્યો સાથે નહીં. મોદીની નિષ્ફળતાઓ બાબત કોંગ્રેસ અને અન્ય પક્ષો પ્રશ્નો ઉઠાવશે જેનો જવાબ આપવાની ક્ષમતા મોદી પાસે છે.
માર્ચ મહિનામાં નિરવ મોદીનો મામલો ખૂબ જ નવો સવો હતો અને આ મામલે સરકાર બેકફૂટ પર હતી એ માટે ત્યારે ચર્ચા ન હતી કરવા માંગતી. હવે ચાર મહિના થઈ ગયા. એ મુદ્દો જૂનો થઈ ગયો અને મહદઅંશે ભુલાઈ ગયો છે.
ભાજપે જાણીબુઝીને સંસદની શરૂઆતમાં જ ચર્ચા યોજી છે જેથી આગળનું સત્ર ચાલી શકે. અને ભાજપ પોતાના બિલો પસાર કરાવી શકે. જો ચર્ચા નહીં કરે તો સમગ્ર સત્ર દરમ્યાન વિપક્ષો હોબાળો મચાવી જેમ અન્ય સત્રોનું ધોવાણ કર્યું છે, એજ રીતે આ સત્રનું પણ કર્યું હોત. સરકારનું માનવું છે કે અવિશ્વાસ પ્રસ્તાવ ટકવાનો તો છે જ નહીં તો પછી ચર્ચા કરીને આ બનાવને દૂર જ નહીં કરી દઈએ.
એક વખત અવિશ્વાસ મત ઉપર જીત મેળવ્યા પછી સરકાર પોતાનું ધ્યાન અન્ય મુદ્દાઓ પર કેન્દ્રીત કરશે અને કોંગ્રેસ ઉપર મુસ્લિમને રિઝવવા, કાશ્મીરમાં સ્થિરતા, ટ્રિપલ તલાકના બિલને પાસ કરાવવામાં જો વિપક્ષો વિરોધ કરશે તો સમગ્ર દોષ સરકાર વિપક્ષો ઉપર છોડી શકશે.
મોદી કોંગ્રેસને નીચાજોણું કરવા તત્પર જ છે. એવું જાહેરસભામાં એમણે કહ્યું હતું કે, કોંગ્રેસ મુસ્લિમોનો પક્ષ છે એ વાત નવી નથી પણ ફક્ત મુસ્લિમ પુરૂષોનો છે, મહિલાઓનો નથી. એ માટે તો ટ્રિપલ તલાક બિલને સમર્થન નથી આપતા.