રાજસ્થાનમાં નવા ભાજપ વડાની નિમણૂક સાથે શાહ- રાજે વચ્ચેના ગજગ્રાહનો હાલ અંત આવ્યો છે

(એજન્સી) તા.૩
રાજસ્થાનમાં ભાજપના પ્રમુખ તરીકે ૭૪ વર્ષના મદનલાલ સૈનીની નિમણૂકના પગલે આ ખાલી પડેલી જગ્યા પર છેલ્લા ત્રણ મહિનાથી પ્રવર્તતા સસ્પેન્સ પરથી પડદો ઊંચકાયો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજે વચ્ચે ચાલતા ગજગ્રાહના પરિણામે જ્યાં ચૂંટણી યોજાનાર છે એવા આ રાજસ્થાન રાજ્યમાં આ મહત્વપૂર્ણ પદ પર ખાલી પડેલી જગ્યા ભરતા આટલો વિલંબ થયો હતો. ફેબ્રુઆરીમાં રાજસ્થાનમાં યોજાયેલ ત્રણ બેઠકોની મહત્વપૂર્ણ પેટા ચૂંટણીમાં પક્ષના સફાયા બાદ ભાજપ નેતાગીરીએ વસુંધરા રાજેના ખાસ વફાદાર અશોક પરનામીને રાજીનામું આપવાનું જણાવ્યું હતું અને તેમના રાજીનામા બાદ મધ્ય એપ્રિલથી આ જગ્યા ખાલી પડી હતી. આમ રાજસ્થાન રાજ્ય ૭૪ દિવસ સુધી ભાજપ પ્રદેશ પ્રમુખ વગર રહ્યું હતું કારણ કે અમિત શાહ અને વસુંધરા રાજે વચ્ચે આ પદ માટે ઉમેદવારની પસંદગીની બાબતમાં સંમતી સધાતી ન હતી. પરનામીના રાજીનામા બાદ જોધપુરના સાંસદ અને રાજપૂત સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતને રાજસ્થાન પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે આગળ કરાયા હતા. શેખાવતને આરએસએસનું સમર્થન પણ હતું. પરંતુ અમિત શાહ અને આરએસએસનું સમર્થન છતાં વસુંધરા રાજેએ તેમની નિમણૂક સામે સખત પ્રતિકાર કર્યો હતો. વસુંધરા રાજે છાવણીએ એવું લોબીંગ શરુ કર્યુ હતું કે રાજ્યમાં ભાજપ પ્રમુખ રાજપૂત કે જાટ બેમાંથી કોઇ સમુદાયના હોવા જોઇએ નહીં.
આ મુદ્દે શાહ અને રાજે વચ્ચે ગજગ્રાહને કારણે લગભગ ત્રણ મહિના સુધી રાજસ્થાનનું ભાજપ એકમ પ્રમુખ વગર રહ્યું હતું. હવે મદનલાલ સૈનીની ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક થતાં રાજસ્થાનમાં હાલ પૂરતો અમિત શાહ અને વસુંધરા રાજે વચ્ચેના રાજકીય સંઘર્ષ અને ગજગ્રાહનો અંત આવ્યો છે. આરએસએસના સમર્થક તરીકે જાણીતા સૈની રાજસ્થાનમાં પક્ષના જૂના જોગી છે. તેઓ સીકર જિલ્લામાંથી આવે છે. લો પ્રોફાઇલ પાર્ટીમેન તરીકે તેમની ઇમેજને કારણે તેમને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. સૈનીની નિમણૂક સાથે રાજે-શાહ વચ્ચેના ગજગ્રાહનો હાલ અંત આવ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks