શહેરમાં ધોવાઈ ગયેલા રસ્તાઓના પ્રશ્ને ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરોએ બોર્ડ માથે લીધું

અમદાવાદ, તા.૨૮
અમદાવાદ શહેરમાં ધોવાઈ ગયેલા રસ્તાઓ મામલે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાકટરો સામે કડક કાર્યવાહી કરવા આજે ૧૯૨ કોર્પોરેટરો સંમત થતા મેયરે આ મામલે કાર્યવાહી કરવા કમિશનરને સત્તા આપી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સામાન્ય સભામાં આ મામલે ઉગ્ર પ્રત્યાઘાત પડવા પામ્યા હતા.ભાજપ અને કોંગ્રેસના તમામ કોર્પોરેટરોએ જવાબદાર કોન્ટ્રાકટર અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી એક તબકકે શહેરના પૂર્વ મેયર અમિત શાહે કમિશનરને સાફ શબ્દોમાં કહ્યુ કે,શહેરના રસ્તાઓ ધોવાયા છે અને લોકો કોર્પોરેટરોને ચોર માને છે. દરમિયાન કામોની શરૂઆત સમયે વિપક્ષના સભ્યોએ ભારે હોબાળો અને સુત્રોચ્ચાર કરતા મેયરે તમામ કામો એકસાથે મંજુર કરાવી બોર્ડ મોકુફ જાહેર કર્યું હતું. આ અગાઉ આજે બેઠકના આરંભે વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરોએ પોતપોતાના વોર્ડના બેનરો સાથે શહેરમાં સર્જાયેલી સ્થિતિ અંગે મેયર અને કમિશનરની હાય બોલાવતા સૂત્રોચ્ચાર કર્યા હતા.જ્યારે ડામર ચોરો હાય.હાયના પણ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.બેઠક શરૂ થાય એ અગાઉ જ પોલીસ દ્વારા કોંગી કોર્પોરેટરો પાસેથી બેનરો પરત મેળવી લેવામાં આવ્યા હતા.બેઠકના આરંભે ગૃહમાં અમરનાથમાં આતંકી હુમલામાં માર્યા ગયેલાઓને માટે શોક પ્રસ્તાવ અને અમદાવાદને હેરીટેજ સીટીનો દરજ્જો મળવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્યોને માટે અભિનંદન પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.ઝીરો અવર્સના આરંભે કોંગ્રેસના નેતા દિનેશ શર્માએ શહેરમાં વરસાદને પગલે રસ્તાઓની સ્થિતિ મામલે ઉગ્ર રજુઆત કરી હજુ સુધી શા માટે જવાબદાર અધિકારીઓ સામે કે કોન્ટ્રાકટરો સામે કાર્યવાહી કરવામાં આવી નથી,શું ભ્રષ્ટાચારને છાવરવાનો છે એમ કહેતા અધ્યક્ષ સ્થાનેથી મેયરે કહ્યું તમારી ભાષા સુધારો,આ તબકકે ઈકબાલ શેખ વચ્ચે બોલવા જતા મેયરે કહ્યુ કે,બેસી જાવ નહીંતર બહાર કાઢી મુકીશ.બીજી તરફ વિપક્ષનેતાએ શહેરના રોડ મામલે અગાઉ ગુરૂકુળ અને વસ્ત્રાલ રોડ મામલે મ્યુનિસિપલ કમિશનરનું પણ ધ્યાન દોરવા છતા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી એ રજુઆત ચાલુ રાખતા મેયરે અધ્યક્ષ સ્થાનેથી કહ્યુ કે,માત્ર તમારી નહીં અહીં બેઠેલા તમામ ૧૯૨ કોર્પોરેટરોની માગણી છે કે,આ મામલે જે કોઈ પણ જવાબદાર હોય તે તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.કોઈ પણ ચમરબંધીને છોડવામાં ન આવે.સુરેન્દ્રબક્ષીએ રોડ બનતા હોય એ સમયે ્‌અધિકારીઓનું ધ્યાન દોરવા છતાં કોઈ પગલા લેવાતા ન હોવાની રજુઆત કરતા પૂર્વ મેયર અમિત શાહે મ્યુનિસિપલ કમિશનરને કહ્યુ કે,પૂર્વ કમિશનર કેશવ વર્મા દ્વારા બનાવવામાં આવેલા રોડને લોકો આજે પણ યાદ કરે છે.આજે શહેરના રોડ ધોવાયા છે અને લોકો શહેરના કોર્પોરેટરોને ચોર માને છે.એસ.ઓ.આર.ને વળગી રહીને જ રોડના કામો અપાવા જોઈએ.આ સાથે જ જે રોડ ધોવાયા હોય એના ફાઈનલ બીલ નહી બન્યા હોય તેવા સંજોગોમાં કોન્ટ્રાકટરોના પેમેન્ટ અટકાવી દઈને તેની પાસેથી ફરી રોડ બનાવડાવો અને જવાબદાર અધિકારીઓ સામે પણ કડક પગલા લો.પૂર્વ મેયરની રજૂઆત સાથે મેયર,કમિશનર સહિત ભાજપ અને કોંગ્રેસના તમામ કોર્પોરેટરોએ એક સૂરમાં કાર્યવાહી કરવા સંમિતિ આપી હતી.
રોડમાં થયેલા ભ્રષ્ટાચાર અને ગેરરીતિ મામલે એક સપ્તાહમાં કાર્યવાહી કરાશે

અમદાવાદ, તા.૨૮
મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે મળેલી સામાન્ય સભામાં શહેરમાં ભારે વરસાદને પગલે ધોવાયેલા રોડ મામલે વિપક્ષ અને શાસક પક્ષના કોર્પોરેટરો દ્વારા ગૃહમાં તંત્રની નિષ્ફળતા ઉપર ભારે પસ્તાળ પાડવામાં આવ્યા બાદ મ્યુનિસિપલ કમિશનરે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હોવાનુ કહેતા રોડમાં થયેલા ભ્રષ્ટાચાર અને ગેરરીતી મામલે એક અઠવાડીયામાં કાર્યવાહી કરવામાં આવશે એવી ગૃહને બાંહેધરી આપી હતી.આ અગાઉ વિપક્ષનેતા દિનેશ શર્મા અને અન્ય કોર્પોરેટરો દ્વારા ખરાબ રસ્તાઓના મામલે ઉગ્ર રજુઆત કરવામાં આવી રહી હતી એ સમયે અધ્યક્ષ સ્થાનેથી મેયર ગૌતમ શાહે પણ કડક ભાષામાં કહ્યુ કે,આ માત્ર વિપક્ષની લાગણી નથી પરંતુ અહીં બેઠેલા તમામ કોર્પોરેટરોની લાગણી છે.આ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે દરમિયાન ગીરી કરતા શહેરના રસ્તાઓ ધોવાઈ જવા પામ્યા હોવાની વાતનો સ્વીકાર કરતા કહ્યુ કે,શહેરના વિવિધ રસ્તાઓ ઉપર ૪,૦૦૦થી વધુ ખાડાઓ પડી જવા પામ્યા છે.અમે છેલ્લા એક સપ્તાહના સમયથી આ મામલે તપાસ પણ શરૂ કરી દીધી છે,શહેરના કયા કયા રસ્તાઓને વધુ નુકસાન થવા પામ્યુ છે એની એક યાદી તૈયાર કરવામાં આવી રહી છે આ સાથે જ શહેરમાં ફરી આમ ન બને અને રસ્તાઓની ગુણવત્તામાં સુધારો થાય એ માટે સરકારના રોડ વિભાગના નિષ્ણાતોની પણ ટેકનીકલ મદદ લેવામાં આવી રહી છે.ગૃહના તમામ સભ્યોને હુ કહેવા માગુ છુ કે,શહેરના રસ્તાઓ મામલે જે પણ બેદરકારી દાખવવામાં આવી છે તે માટે કોઈને પણ છોડવામાં નહીં આવે અત્યારે કોન્ટ્રાકટરોને શોધીને નોટિસ આપવામાં આવી રહી છે.વિપક્ષનેતાએ કમિશનરને કહ્યુ કે,ખરાબ રસ્તાઓ મામલે ડેપ્યુટી કમિશનરની જવાબદારી કેમ નકકી કરવામાં આવતી નથી.તેના જવાબમાં કમિશનરે કહ્યુ કે,હવે પછી નવા બનનારા રોડની જવાબદારી તેમને સોંપવામાં આવશે.શહેરમાં ખરાબ રસ્તાઓ મામલે એક સપ્તાહમાં તપાસ પુરી કરી જવાબદાર સામે કાર્યવાહી કરાશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks