(એજન્સી)
ઇસ્લામાબાદ, તા. ૨૯
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને આક્રમક બેટ્સમેન શાહિદ આફ્રિદીને બૂમ બૂમના હુલામણા નામથી પણ ઓળખવામાં આવે છે. તાજેતરમાં જ તેણે પોતાના પ્રશંસકો સમક્ષ સોશિયલ મીડિયા પર આ નામ કોણે આપ્યું તેનો ખુલાસો કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે, આફ્રિદીને આ નામ ભારતીય ખેલાડીએ આપ્યું હતું. આફ્રિદીએ એક સવાલના જવાબમાં ખુલાસો કરતા કહ્યું હતું કે, બૂમ બૂમ નામ તેને ભારતીય ખેલાડી રવિ શાસ્ત્રીએ આપ્યું હતું. ઉલ્લેખનીય છેકે, રવિ શાસ્ત્રી ભારતીય ટીમના કોચ બન્યા પહેલા ક્રિકેટ કોમેન્ટરી કરતા હતા. એક મેચ દરમિયાન તેમણે શાહિદ આફ્રિદીને બૂમ બૂમ તરીકે સંબોધ્યો હતો. ત્યારબાદ આ નામ એટલું પ્રચલિત થઇ ગયું કે, આફ્રિદીના બેટ, ગ્લવ્સ વગેરે પર પણ આ નામ દેખાતું હતું. આફ્રિદીને બૂમ બૂમ નામ તેની સિક્સરો મારવાની કાબેલિયતને કારણે મળ્યું હતું. ૩૮ વર્ષિય ખેલાડીએ ૩૯૮ વન-ડે આંતરરાષ્ટ્રીય મેચોમાં ૩૫૧ સિક્સરો ફટકારી છે જે એક રેકોર્ડ છે. બીજી તરફ આફ્રિદીએ ૯૯ ટી-૨૦ મેચોમાં ૭૩ સિક્સરો લગાવી છે. પાકિસ્તાન તરફથી ટી-૨૦માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે.