અમદાવાદ, તા.૨૦
રઇસ ફિલ્મના પ્રમોશન દરમ્યાન વડોદરા રેલ્વે સ્ટેશન પર એક વ્યકિતનું મોત નીપજવાના ચકચારભર્યા પ્રકરણમાં નોંધાયેલી ફરિયાદ-પ્રોસીડીંગ્સ રદબાતલ ઠરાવવા બોલીવુડ સ્ટાર શાહરૂખખાને ગુજરાત હાઇકોર્ટમાં કરેલી કવોશીંગ પિટિશનમાં આજે હાઇકોર્ટે કીંગખાનને રાહત આપી હતી. હાઇકોર્ટે રઇસ ફિલ્મના પ્રમોશનના મામલામાં ઘટેલી ઘટના પ્રકરણમાં નીચલી કોર્ટમાં શાહરૂખખાન સામેની પ્રોસીડીંગ્સ સ્ટે કરતો વચગાળાનો હુકમ કર્યો હતો અને કેસની વધુ સુનાવણી તા.૨૫મી સપ્ટેમ્બરે મુકરર કરી હતી. આ કેસની વિગત એવી છે કે, ગતા તા.૨૩-૧-૨૦૧૭ના રોજ રઇસ ફિલ્મના પ્રમોશન વખતે વડોદરા રેલ્વે સ્ટેશન પર થયેલી ધક્કા મુક્કી અને ભાગદોડમાં પોલીસ લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. એ વખતે વડોદરાના સ્થાનિક રહેવાસી ફરીદખાનનું હૃદયરોગના હુમલાના કારણે મોત નીપજયુ હતું. આ પ્રકરણમાં સ્થાનિક કોંગ્રેસી નેતા જીતેન્દ્ર સોલંકીએ આ ઘટના માટે જવાબદાર શાહરૂખખાન તથા અન્યો સામે ફરિયાદ નોંધાય તે માટે મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ કેસમાં રેલ્વે પોલીસ તરફથી શાહરૂખખાનને સમન્સ પાઠવ્યું હતું. આ સમન્સ સામે અગાઉ શાહરૂખખાન તરફથી હાઇકોર્ટમાં રિટ અરજી કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે રેલ્વે પોલીસના સમન્સ સામે સ્ટે જારી કરી બોલીવુડ સ્ટારને રાહત આપી હતી. દરમ્યાન આ પ્રકરણમાં નોંધાયેલી સંબંધિત કોર્ટ કાર્યવાહી રદબાતલ ઠરાવવા શાહરૂખખાન દ્વારા વધુ એક રિટ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. શાહરૂખખાન તરફથી એવો બચાવ રજૂ કરાયો હતો કે, અખબારી અહેવાલોના કારણે લોકો સ્ટેશન પર ઉમટયા હતા. શાહરૂખખાન માત્ર ૨૦ સેકન્ડ માટે જ ટ્રેનની બહાર આવ્યો હતો અને તેણે પોતાના ફેન્સ માટે ટીશર્ટ અને સોફ્ટ બોલ ફેંકયા હતા. એ દરમ્યાન લોકોમાં ધક્કામુક્કી સર્જાઇ હતી અને ભાગદોડ મચી ગઇ હતી. આ માટે શાહરૂખખાનને જવાબદાર ગણી શકાય નહી કારણ કે, તે કોઇપણ રીતે સીધા જવાબદાર ઠરતા નથી. આ દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે કીંગખાનને રાહત આપી કેસની વધુ સુનાવણી તા.૨૫મી સપ્ટેમ્બર પર રાખી હતી.