(એજન્સી) તા.૩૦
આગામી વર્ષની સામાન્ય ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારને મહાગઠબંધનમાં પરત લાવવા જોઇએ એવા એક વરિષ્ઠ કોંગ્રેસી ધારાસભ્યના નિવેદન પર રાષ્ટ્રીય જનતાદળ ખફા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શકીલ અહેમદ ખાને શુક્રવારે જણાવ્યું હતું કે નીતિશકુમાર એક મોટા ગજાના નેતા છે અને તેમના જનતાદળ (યુનાઇટેડ) અને તમામ સમાન વિચારસરણી ધરાવતી સેક્યુલર પાર્ટીને એક જ છત્ર હેઠળ લાવવાના પ્રયાસો કરવા જોઇએ.
શકીલ અહમદ ખાને રાજદના તેજસ્વીપ્રસાદ યાદવને વખોડી કાઢતા જણાવ્યું હતું કે તેમણેે નીતિશ માટે દરવાજા બંધ થઇ ગયા છે એવું નિવેદન કરવું જોઇતું ન હતું. જો એનડીએના સાથી હિંદુસ્તાની અવામ મોરચા-સેક્યુલરના નેતા જીતનરામ માંઝી અને રાષ્ટ્રીય લોકસમતા પાર્ટીના નેતા ઉપેન્દ્ર કુશવાહ સામે દ્વારો ખુલ્લા રહી શકતા હોય તો પછી નીતિશ માટે દ્વારો શા માટે બંધ કરવા જોઇએ એવો પ્રશ્ન અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સેક્રેટરી શકીલ અહમદ ખાને કર્યો હતો.
જો નીતિશકુમાર ભાજપ છોડીને યુપીએમાં જોડાશે તો વિપક્ષોની તાકાત વધશે એવું જણાવીને તેમણે ઉમેર્યુ હતું કે કોંગ્રેસ નેતાગીરી ૨૦૧૯ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય સ્તરે ગઠબંધન કરવા માટે રાજદના વડા લાલુપ્રસાદ યાદવ સાથે કોંગ્રેસ નેતાગીરી સંપર્કમાં છે. ખાને જણાવ્યું હતું કે તેજસ્વી હવે પરિપક્વ રીતે વર્તે અને પોતાના શબ્દોના ઉપયોગમાં સતર્ક રહે એ જરુરી છે. તેમણે સમજવું જોઇએ કે અત્યારે ૨૦૨૦ની બિહાર વિધાનસભા ચૂંટણી પર ફોકસ નથી પરંતુ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પર છે.
શકીલ અહમદ ખાનના આ નિવેદનોની રાજદમાં ઉગ્ર પ્રતિક્રિયા પડી છે. રાજદના રાષ્ટ્રીય ઉપપ્રમુખ શિવાનંદ તિવારીએ જણાવ્યું હતું કે અમારા નેતા તેજસ્વીએ નીતિન પર પક્ષના વલણને સ્પષ્ટ કર્યુ છે. તિવારીએ જણાવ્યું હતું કે તેજસ્વી અમારા નેતા છે અને ૨૦૨૦ની ચૂંટણી માટે તેઓ અમારા મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર છે. લાલુની નિકટના રાજદના વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોંગ્રેસ એ સાવ નાનું બળ છે અને તેણે ચૂંટણીની તમામ વાતો સમજવી જોઇએ.