(એજન્સી) નવી દિલ્હી, તા.૮
દેશભરની શાળાઓમાં ધો.૧થી ૮માં યોગાને ફરજિયાત બનાવવાની માગણી કરતી એક અરજીને સુપ્રીમ કોર્ટે રદ કરી છે. અરજીમાં દેશભરની તમામ શાળાઓમાં યોગાને ફરજિયાત બનાવવાની માગણી કરાઈ હતી. કોર્ટે આ અરજીની સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. ન્યાયમૂર્તિ એમ.બી. લોકુરના અધ્યક્ષપદવાળી સુપ્રીમકોર્ટની ખંડપીઠે અરજીની સુનાવણીનો ઈન્કાર કરી કહ્યું હતું કે કોર્ટ કોઈ પણ શાળાને યોગા ફરજિયાત શીખવાડવા માટે કહી શકે નહીં. તે અમારી હકૂમતમાં આવતું નથી. શાળાઓએ શુું ભણાવવું તે કોર્ટનો વિષય નથી. આથી કોર્ટ કોઈ દિશા-નિર્દેશ આપી શકે નહીં. દિલ્હી પ્રદેશ ભાજપના પ્રવકતા અને વકીલ અશ્વિન ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં માગણી કરી હતી કે સુપ્રીમકોર્ટ યોગ અને આરોગ્ય શિક્ષણને ધો.૧થી ૮ની શાળાઓમાં ફરજિયાત બનાવવા કેન્દ્ર સરકાર અને એનસીઈઆરટીને દિશાનિર્દેશ કરી, પરંતુ કોર્ટે આ અરજીને રદ કરી હતી.